વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર ટ્રકમાં કતલખાને લઇ જવાતી 9 ભેંસને બચાવાઇ, ડ્રાઇવરની ધરપકડ

પાણીગેટ પોલીસને બાતમી મળતા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો

MailVadodara.com - 9-buffaloes-taken-to-slaughterhouse-in-truck-rescued-on-National-Highway-near-Vadodara-driver-arrested

- ભેંસોને મોકલનાર આરોપી ગોપાલ ભરવાડને વોન્ટેડ જાહેર કરાયો

વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં.48 ઉપર કતલખાને લઈ જવાઇ રહેલી 9 ભેંસને ટ્રકમાંથી મુક્ત કરાવી હતી અને ટ્રક ડ્રાઇવર કિશન મકવાણાની ધરપકડ કરી હતી. ભેંસોને મોકલનાર ગોપાલ ભરવાડને વોન્ટેડ જાહેર કર્યો છે.

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગઈકાલે 6 એપ્રિલના રોજ રાત્રે પાણીગેટ પોલીસ સ્ટેશનની પીસીઆર વાનને કંટ્રોલરૂમમાંથી વર્ધી મળી હતી કે, વાઘોડિયા ચોકડી બ્રિજ પરથી ઉતરતા સુરત તરફના હાઇવે પર GJ-19-T-4603 નંબરની ટ્રક ઉભી છે અને જેમાં ભેંસો ભરેલી છે. આ ભેંસોને કતલખાને લઈ જવામાં આવી રહી છે. જેથી પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. આ સમયે ટ્રક હાઇવે પર ઉભી હતી અને જેમાંથી ટ્રકનો ડ્રાઇવર કિશન પન્નાભાઇ મકવાણા (રહે. સિહોદ ગામ, જિ.ભાવનગર) હાજર હતો.

પોલીસે ડ્રાઇવર કિશન મકવાણાને ટ્રકમાંથી નીચે ઉતારી દીધો હતો અને ટ્રકની પાછળના ભાગે લગાવેલી તાડપત્રી ખોલીને તપાસ કરતા અંદર 9 ભેંસ હતી. આ ભેંસોને ખીચોખીચ ભરી હતી અને અંદર હવા ઉજાશ પણ રાખી નહોતી. આ ઉપરાંત ઘાસચારાની પણ કોઈ વ્યવસ્થા કરી નહોતી. આ ભેંસો ક્યાંથી આવી, કોની પાસેથી લાવ્યો અને કોને આપવાની છે? તેમ પૂછતા ડ્રાઇવર કિશને જણાવ્યું હતું કે, વટામણ ચોકડી ગણેશ હોટલથી ગોપાલ ભરવાડે મને આ ભેંસોને સુરત પહોંચાડવા માટે મોકલ્યો છે. આ ભેંસો કોને આપવાની છે, તેની મને ખબર નથી.

ટ્રકના ડ્રાઇવરે બરાબર જવાબ ન આપતા અને ગલ્લા તલ્લા કરતા પોલીસે 1.80 લાખની કિંમતની 9 ભેંસ અને 5 લાખની કિંમતની ટ્રક મળીને કુલ 6.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રકના ડ્રાઇવર પાસેથી કોઈ પણ પ્રકારની પરમિશન મળી આવી નહોતી. જેથી પોલીસે ટ્રકના ડ્રાઇવર કિશન મકવાણા અને ભેંસોને મોકલનાર ગોપાલ ભરવાડ સામે ગુનો નોંધ્યો છે અને ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments