છાણીની 9 દુકાનો હરાજીના 7 માસ બાદ પણ બંધ હાલતમાં, પાલિકાને નુકશાની વેઠવાનો વારો!!?

ઘણીવાર તઘલખી નિર્ણયના કારણે કોર્પોરેશનને નુકસાની વેઠવાનો વારો આવે છે!

MailVadodara.com - 9-Chhani-shops-remain-closed-even-after-7-months-of-auction-it-time-for-the-municipality-to-suffer

- ધૂળ ખાતી દુકાનો ક્યારે આવક ઊભી કરશે તેની રાહ જોવાઇ રહી છે


વડોદરા કોર્પોરેશન દ્વારા લોક સુવિધાના ભાગરૂપે અનેક પ્રોજેક્ટ સફળતા સાથે પૂર્ણ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત તઘલખી નિર્ણયના કારણે કોર્પોરેશનને નુકસાની વેઠવાનો વખત પણ આવે છે. ખાસ કરીને છાણી પ્રવેશ દ્વાર ખાતેની 10 દુકાનો અને છાણી ગામ ખાતેની ખાણીપીણીની 9 દુકાનો આજે પણ બંધ રહેતા નુકસાની વેઠવાનો વખત આવતા વિવાદ સર્જાયો છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના સંગમ ચાર રસ્તા, સરદાર એસ્ટેટ ચાર રસ્તા અને ખોડીયાર નગર ચાર રસ્તા ખાતે ટ્રાફિકને નડતરરૂપ ટ્રાય એંગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દેતા વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ કોર્પોરેશનને પોતાની ભૂલ સમજાતા આખરે તોડી પાડી રસ્તાઓ ખુલ્લા કર્યા હતા. જેના કારણે લાખો રૂપિયાનો વેડફાટ થયો હતો. આ સમય દરમિયાન વધુ ત્રણ આયોજન પણ પાલિકા માટે ધોળા હાથી સમાન સાબિત થયા છે. 


આજવા રોડ રાત્રી બજારમાં દુકાનો કાર્યરત ન થતા મેન્ટેનન્સ ખર્ચ ભોગવવાની સાથે કરોડો રૂપિયાના ખર્ચ સામે સવાલો ઊભા થયા છે. ત્યારબાદ વડોદરા શહેરમાં પ્રવેશવાના રસ્તે બનાવેલો છાણીનો પ્રવેશ દ્વાર વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તાની વચ્ચોવચ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેમ પાર્કિંગ સુવિધા વિના દસ દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવાઈની વાત એ છે કે, બે વર્ષનો સમય વીતવા છતાં હજુ સુધી પ્રવેશ દ્વારનું નામાંકરણ થયું નથી. તેમજ ધૂળ ખાતી દુકાનો ક્યારે આવક ઊભી કરશે તેની રાહ જોવાઇ રહી છે. 

તદુપરાંત છાણી ગામના પ્રવેશ દ્વાર ખાતે પણ 9 દુકાનો પણ હરાજી બાદના સાત મહિના બાદ પણ ભેંકાર ભાસતા નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. આ પ્રકારના આયોજનથી કોર્પોરેશનને ફાયદો નહીં પરંતુ નુકસાન પહોંચશે તેવી ભીતિ કોંગ્રેસના કાઉન્સિલરોએ વ્યક્ત કરી હતી. તેમ છતાં સૂચનોની અવગણના કરી આ પ્રકારના આયોજન કરાતા પ્રજાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયાનો વેડફાટ થયો હોય તેમ લાગી રહ્યું છે. 

આમ, આ બાબતે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ પણ કોર્પોરેશનના આ પ્રકારના આયોજન સામે નારાજગી દર્શાવી ચિંતા વ્યક્ત કરી છે.

Share :

Leave a Comments