આજવા રોડ પર 80 ટકા તૈયાર BSUP ગરીબો માટેના 1200 મકાનો ટૂંક સમયમાં ખંડેર થવાની તૈયારીમાં..?!

પાલિકાના અંધેર વહિવટના કારણે આવાસો તૈયાર થયા નથી, કોન્ટ્રાક્ટરો પોતાનું ધાર્યું કરી રહ્યા છે : અતુલ ગામેચી

MailVadodara.com - 80-percent-ready-BSUP-1200-houses-for-the-poor-on-Ajwa-road-soon-to-be-demolished

- છ વર્ષ અગાઉ કોન્ટ્રાક્ટર અધૂરી કામગીરી છોડી જતા રહેતા કોર્પોરેશને બાકીની કામગીરી અન્ય કોન્ટ્રાક્ટરને સોંપી, પરંતુ, નાણાંની ચૂકવણી ન થતા અંદાજે બે વર્ષથી કામગીરી ખોરંભે પડી


શહેરના આજવા રોડ ખાતે 80 ટકા તૈયાર થઇ ગયેલી BSUP ગરીબો માટેના 1200 મકાનોની આવાસ યોજના કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે ખોરંભે પડી છે. પરિણામે 80 ટકા તૈયાર થઇ ગયેલા આવાસ યોજનાના મકાનો હવે ખંડેર બની રહ્યા છે. પાલિકા દ્વારા વહેલી તકે ઉકેલ લાવવામાં નહિં આવે તો પાલિકાને મોટું આર્થિક નુકશાન જવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.


વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના આજવા રોડ ખાતે પંડિત દિન દયાળ ઓડિટોરિયમ નજીક કોર્પોરેશને BSUP આવાસ યોજના અંતર્ગત 1200 જેટલા આવાસોની સ્કીમ અમલમાં મૂકી છે. આ સ્કીમને નવ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. છ વર્ષ અગાઉ કોન્ટ્રાક્ટર કામગીરી અધૂરી છોડીને જતા રહેતા કોર્પોરેશન દ્વારા અન્ય કોન્ટ્રાક્ટરને બાકીની કામગીરી કરવા કામ સોંપવામાં આવ્યું હતું પરંતુ, નાણાંની ચૂકવણી ન થતા અંદાજે બે વર્ષથી કામગીરી ખોરંભે પડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.


સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આ આવાસો અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પાલિકાના અંધેર વહિવટના કારણે આ આવાસો તૈયાર થયા નથી. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો પોતાનું ધાર્યું કરી રહ્યા છે પરંતુ, પાલિકા દ્વારા આવા કોન્ટ્રાક્ટરો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. 80 ટકા તૈયાર થઇ ગયેલા આવાસોમાં પ્રાથમિક સુવિધાઓ બાકી છે. ખોખા તૈયાર થઇને પડ્યા છે. વહેલી તકે આ આવાસો તૈયાર કરવામાં નહિં આવે તો આગામી ટૂંક સમયમાં આ 1200 જેટલા આવાસો ખંડેરમાં ફેરવાઇ જશે અને પાલિકાને મોટું આર્થિક નુકશાન થશે.


સ્થાયી સમિતીના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ગરીબો માટે શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ યોજનાઓ હેઠળ આવાસ યોજનાઓ ચાલી રહી છે. જે પૈકી પંડિત દિન દયાળ ઓડિટોરીયમ પાસે પણ 1200 જેટલા મકાનોની સ્કીમ ચાલી રહી છે. 80 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. હાલમાં પ્રાથમિક સુવિધાની કામગીરી ચાલી રહી છે. શક્ય તેટલી ઝડપથી કામ પૂર્ણ કરી આવાસો લાભાર્થીઓના ઉપયોગમાં આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. માત્ર બારી અને અન્ય કેટલીક સુવિધા ઉભી કરવાની કામગીરી ચાલી રહી છે.


જો કે, પાલિકાના સુત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરના વિવાદના કારણે જરૂરીયાતમંદ લોકોને આવાસો ફાળવવાનો હેતુ સિદ્ધ થઈ રહ્યો નથી. એક તરફ કોર્પોરેશનને આમાં કરોડો રૂપિયાનું આંધણ કર્યું છે ત્યારે હવે વહેલી તકે લોકોને આવાસો મળે તે હિતાવહ છે. જો પાલિકા દ્વારા વહેલી તકે આવાસો તૈયાર કરીને લાભાર્થીઓને આપવામાં નહિં આવે તો આવનારા ટૂંક સમયમાં 80 ટકા તૈયાર થઇ ગયેલા આવાસો ખંડેરમાં ફેરવાઇ જશે.

Share :

Leave a Comments