- બે જ કલાકમાં ફાયર બ્રિગેડને શોર્ટસર્કિટના સાત કોલ્સ મળ્યાં, મોડી રાત્રે કેબલ વાયર તૂટ્યો, લોકોએ વીજ કંપની સામે રોષ ઠાલવ્યો, આજવા રોડ અંધારપટમાં છવાયો હતો
વડોદરાના ગોરવા, આજવા રોડ પરિવાર સ્કૂલ પાસે, ફતેપુરા, વારસીયા રીંગરોડ સહિત વિવિધ વિસ્તારોમાં 8 વીજ થાંભલાઓ પર આગ લાગવાના બનાવ બન્યા હતા. જેમાં ગોરવા વિસ્તારમાં કૈલાસધામ સોસાયટીમાં વીજ થાંભલા ઉપર આગ લાગતા 200 જેટલા પરિવારોને આખી રાત અંધારામાં પસાર કરવાનો વારો આવ્યો હતો. ગઇકાલે બે જ કલાકમાં ફાયર બ્રિગેડને શોર્ટસર્કિટના સાત કોલ્સ મળતાં દોડધામ મચી હતી.
કાળઝાળ ગરમીને કારણે એસી અને કુલરનો વપરાશ વધી રહ્યો છે. જેને કારણે વીજ પ્રવાહમાં અસાધારણ ફેરફાર થાય છે અને ઓવરલોડિંગને કારણે મકાનો,વીજ વાયરો અને ટ્રાન્સફોર્મરમાં ધડાકા તેમજ આગ લાગવાના બનાવો બને છે. ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી અનુસાર મોડી રાત્રે ગઇકાલે રાતે શહેરના છાણી, ગોરવા, વારસીયા, અટલાદરા જેવા વિસ્તારોમાં વીજ વાયરોમાં ધડાકા તેમજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના માત્ર બે કલાકમાં જ ૭ કોલ્સ મળ્યા હતા. જેથી ફાયર બ્રિગેડની ટીમોની દોડધામ વધી ગઇ હતી અને વીજ કંપનીની ટીમને સાથે રાખી કામગીરી કરી હતી. જેમાં શહેરના ગોરવામાં આવેલા કૈલાશધામ સોસાયટીમાં વીજ થાંભલામાં આગ ફાટી નીકળી હતી. આગના કારણે આસપાસની સોસાયટીના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કૈલાશધામ સોસાયટીમાં વીજ થાંભલા ઉપર લાગેલી આગના કારણે કેબલ વાયર તૂટીને કેટલાકની કાર ઉપર પડ્યો હતો તો કેટલાકના મકાનના ગેટ ઉપર પડ્યો હતો. જોકે મોડી રાત્રે આ ઘટના બની હોવાના કારણે કોઈ જાનહાની થઈ નથી. જો સાંજના સમય દરમિયાન આ ઘટના બની હોત તો મોટી દુર્ઘટના થવાની શક્યતાઓને નકારી શકાય તેમ ન હતી.
ગોરવા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી એક પછી એક થાંભલા ઉપર આગ લાગવાના બનાવ બની રહ્યા છે અને 1200 જેટલા લોકોને તેની અસર થઈ રહી છે. રાત્રે કૈલાસધામ સોસાયટીમાં થાંભલા ઉપર આગ લાગવાના કારણે 200 જેટલા લોકોને આખી રાત અંધારામાં પસાર કરવાની ફરજ પડી હતી. મોડી રાતથી બંધ થઈ ગયેલો પુરવઠો આજે મોડી સવારે શરૂ થયો હતો. કલાકો સુધી વીજ પુરવઠો શરૂ ન થતાં લોકોએ વીજ કંપની સામે રોષ ઠાલવ્યો હતો.
આ ઉપરાંત શહેરના આજવા રોડ પરિવાર સ્કૂલ પાસે મહાકાળી સોસાયટીમાં વીજ થાભલા ઉપર આગ લાગતા અંધારપટ છવાઈ ગયો હતો. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં લશ્કરો સ્થળ ઉપર દોડી ગયા ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તે સાથે વીજ કંપનીની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. તે સાથે ઠેકરનાથ મંદિર પાસે આવેલ સુરુચી પાર્કમાં વીજ પોલના કેબલમાં આગ લાગી હતી. ઉપરાંત વારસીયા રીંગ રોડ ઉપર આવેલા રાજધાની સોસાયટી પાસે, આર.વી દેસાઈ રોડ મયુર સોસાયટીમાં ટ્રાન્સફોર્મરમાં અને આટલાદરા સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલા વીજ થાંભલાના કેબલમાં આગ ફાટી નીકળી હતી. જોકે આ ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વિસ્તારના લોકોને અસહ્ય ગરમી વચ્ચે અડધી રાત પસાર કરવાનો વખત આવ્યો હતો. અસહ્ય ગરમીના કારણે આગના બનાવોમાં વધારો થતા ફાયર બ્રિગેડ અને વીજ કંપનીઓને સતત દોડતા રહેવું પડ્યું હતું.