CNG ગેસ સ્ટેશન ખોલવાની પરમિશનના નામે પેટ્રોલ પંપ માલિક પાસેથી ભેજાબાજોએ 8.89 લાખ ખંખેર્યા

પેટ્રોલ પંપના માલિકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - 8-89-lakhs-extorted-from-petrol-pump-owner-in-name-of-permission-to-open-CNG-gas-station

વડોદરા શહેરના પેટ્રોલ પંપ માલિક પાસેથી ભેજાબાજોએ અદાણી CNG ગેસ સ્ટેશનની પરમિશન આપવાના નામે 8.89 લાખ રૂપિયા પડાવ્યા છે. આ મામલે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

વડોદરામાં રહેતા અને પેટ્રોલ પંપના માલિકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આશરે 3 મહિના પહેલા મારા પેટ્રોલપંપની બાજુમાં આવેલ જમીન માટે અદાણી CNG ગેસ સ્ટેશન માટે ઓનલાઇન એપ્લીકેશન રજિસ્ટર કરવા માટે ગુગલ તેમજ ફેસબુક ઉપર સર્ચ કરતો હતો. તે દરમિયાન મને મારા ફેસબુક એકાઉન્ટ ઉપર એક ઇંગ્લીશમાં વેબપેજ આવ્યું હતું. જે danicngdealership.com અદાણી ગેસનું વેબ પેજ સમજીને મેં તેમાં રજિસ્ટર કરવા માટે વિગતો માગતા મેં મારો મોબાઇલ નંબર સબમીટ કર્યો હતો.

ત્યારબાદ તા-01/02/2024ના રોજ મને ફોન આવ્યો હતો અને વધુ પ્રોસેસ માટે અમારા ઈ- મેઈલ આઈ.ડી. ઉપર અલગ-અલગ ફોર્મની માહિતી ભરવા માટે ઈમેઈલ આઈ.ડી. info@adanicngdealership.com ક્લીક કરવા જણાવ્યું હતું, જેથી મેં ફોર્મની વિગતો ભરી હતી. ત્યારબાદ મને એક ઇ- મેઈલ આવ્યો હતો કે, તમારી જગ્યા ડિલરસીપ માટે વેરિફિકેશન કરવા માટે તમારે રૂ.49,500 ભરવા પડશે. જેથી મેં મારા સીએ મારફતે વેરિફિકેશન કરાવીને પૈસા ભર્યા હતા. ત્યારબાદ મને પેમેન્ટ ભરેલાની ઓનલાઇન રસીદ ઇ-મેઈલ દ્વારા મોકલી આપી હતી.

ત્યારબાદ મને ફરી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમોને એક ઈ-મેઈલ કર્યો છે જે ઇમેલ લાયસન્સ સર્ટિફિકેટ માટેનું ફોર્મ મોકલી આપ્યું હતું. તેમજ વધુ 2.95 લાખ રૂપિયા ભરવાનું કહ્યું હતું, જેથી મેં તે રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ફરી મને એક ઈ-મેઈલ આવ્યો હતો કે, તમને અદાણી દ્વારા લાયસન્સ આપવામાં આવ્યું છે. ત્યારબાદ ફરી એક ઇ-મેઈલ આવ્યો હતો કે, જેમાં 5.45 લાખ રૂપિયા ભરવા જણાવ્યું હતું. જેથી મેં તે રૂપિયા પણ ઓનલાઇન ભર્યા હતા અને તેની રસીદ પણ મને મોકલી હતી.

ફરી એકવાર ઈ-મેઈલ આવ્યો હતો કે, પેટ્રોલ ઓફ મિનિસ્ટ્રી દ્વારા પરમીશન મળી છે, જેથી તમારે 7 લાખ રૂપિયા ભરવા થશે. જેથી મેં જણાવ્યું હતું કે, તમારા તરફથી કોઇ સ્થળ વિઝિટ કરવા આવી નથી, તો કેવી રીતે પરમિશન આપી. ત્યારબાદ મેં અમારા સી.એ. પાસે જતાં વડોદરા અદાણીની ઓફિસ સર્ચ કરતાં કોયલી ખાતે પ્લાન્ટ જણાઇ આવ્યો હતો. જે સ્થળ ઉપર રૂબરૂ વિઝિટ કરતાં આ તમામ ઇ-મેઈલ તેમજ બેંક વિગતો જણાવતાં તેઓએ અમદાવાદ ખાતેની ઓફિસે વાત કરતાં અમારી સાથે ફ્રોડ થયું છે, તેવું મને જણાવ્યું હતું. જેથી મેં 1930 નેશનલ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી હતી. મને ગેસ સ્ટેશન માટે 8,89,500 રૂપિયા ઓનલાઇન ભરાવડાવીને રૂપિયા પરત આપ્યા નથી. જેથી મેં આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments