વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને રમત-ગમત ક્ષેત્રમાં રસ અને રુચિ તેમજ સાહસિકતા વધે તે માટે ગ્રીષ્મોત્સવ-2023 હાલ ચાલી રહ્યો છે અને આવતીકાલે તેનો છેલ્લો દિવસ છે.
વડોદરા શહેરના નવાપુરા સ્થિત ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા ખાતે આ મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ દેશી રમતો જેમ કે, કબડ્ડી, લંગડી, દોડ, સતોડિયું, રસ્સાખેંચ, જુડો, કુસ્તીની સાથે સાથે બેડમિન્ટન, ચેસ અને કેરમ જેવી રમતો પણ રમાડવામાં આવી રહી છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 9 શાળાઓના 700 વિદ્યાર્થીઓ અને ખાનગી શાળાના 78 વિદ્યાર્થીઓ આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે.
અમુક રમતોમાં સ્પર્ધા થાય છે, જ્યારે અમુક રમતો આનંદ માટેની અને સાહસિકતા ખીલવવા માટેની હોય છે. બાળકોને વ્યાયામ શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપી તેમના કૌશલ્યમાં વધારો કરવા પ્રયાસ થઈ રહ્યો છે. શાળા સ્તરે તો રમત મહોત્સવ થતા જ હોય છે, પરંતુ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓને આનંદ અને ઉત્સાહ મળી રહે તે માટે બે વર્ષથી આ રમત મહોત્સવ યોજાઈ રહ્યો છે.