રાજ્ય સરકારની વેસ્ટ વોટર પોલિસી હેઠળ વડોદરા નજીકના નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને કોર્પોરેશનના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સેકન્ડરી ટ્રીટેડ વોટરને સપ્લાય કરી આપવા માટે કોર્પોરેશન પાસે માગણી કરી છે. કોર્પોરેશન જો આ માગણી અનુસાર ટ્રીટેડ વોટર નંદેસરી એસોસિએશનને આપે તો તે માટે જે પ્લાન્ટ નાખવાનો છે તે માટે 75 કરોડ રૂપિયા ખર્ચ થવાનો છે. સ્ટેન્ડિંગ સમિતિમાં આ અંગે એક દરખાસ્ત પણ રજૂ થઈ છે. આજે સ્ટેન્ડિંગ સમિતિની મીટીંગ મળી રહી છે, ત્યારે આ સંદર્ભે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા એક પત્ર લખીને કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે.
વિરોધ પક્ષ દ્વારા જણાવાયું છે કે સરકારની રી-યુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી હેઠળ શહેરની હદથી અથવા સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી 50 કી.મી.ની ત્રિજયામાં આવેલ થર્મલ પાવર પ્લાન્ટ, ઔદ્યોગિક એકમો કે જેઓ ઓછામાં ઓછા 1 લાખ લિટર/પ્રતિ દિન કે તેથી વઘુ પાણીનો જથ્થો પીવાના પાણી સિવાયના હેતુ માટે ઉપયોગ કરતા હોય તેવા એકમો માટે ટ્રીટેડ વેસ્ટ વોટર વા૫રવું ફરજીયાત છે. જેથી નંદેસરી ઇન્ડસ્ટ્રીટલ એસોસીએશન ઘ્વારા ટ્રીટેડ વેસ્ટ વોટર વા૫રવુ રાજય સરકારની રી-યુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી અંતર્ગત ફરજીયાત છે. નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનને 25 એમએલડીનો એમ.ઓ.યુ. કરવુ તેમના માટે અનિવાર્ય છે. આ એસોસીએશન આર્થિક રીતે સઘ્ઘર છે. વેસ્ટ વોટર માટે જે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવાનો છે તે માટે 75 કરોડનો ખર્ચ થાય તેમ છે. આટલો મોટો ખર્ચ કોર્પોરેશન પોતાના મર્યાદિત ફંડમાંથી નહી કરી લોક ભાગીદારીના ઘોરણે નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન સાથે કરે અને આ ખર્ચ ટ્રીટેડ વેસ્ટ વોટરના બીલમાંથી બાદ કરી આપે. જયારે ખર્ચ ભરપાઈ થાય ત્યારે આ પ્લાન્ટની માલિકી કોર્પોરેશનની રહે તેવી જોગવાઇ કરવી જોઈએ. આવુ કરવાથી કોર્પોરેશન માથે આર્થિક બોજો પણ નહીં આવે અને 75 કરોડ અન્ય અગત્યના કામો કરવા માટે ઉપયોગમાં લઇ શકશે. વડોદરા કોર્પોરેશન આમ ૫ણ સેકન્ડરી ટ્રીટમેન્ટ કરીને ટ્રીટેડ વોટર નદીમાં છોડી શકે છે. ટર્સરી ટ્રીટમેન્ટની જરૂર નંદેસરી એસોસીએશનને છે, જેથી તેનો ખર્ચ નંદેસરી એસોસીએશન કરે તેવી પત્ર લખીને માંગણી કરી છે.