- ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે..!
- સીએનજી રીક્ષા પ્રદુષણનો ધુમાડો નહીં કાઢવાને બદલે તીવ્ર ધુમાડો ઓકે છે..
- ઈલોરાપાર્ક અને રાજમહેલ રોડ પર મળતા છૂટક ઓઇલ નાખવાથી પ્રદુષણ થતું હોવાનો જાણકારોનો મત
- જાહેરમાં છૂટક ઓઇલ વેચાય છે ત્યાંથી ગોરવા, રાવપુરા અને નવાપુરા ની પીસીઆર દિવસમાં દશ આંટા મારે છે...
વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની નબળી કામગીરીને કારણે વાહન ચાલકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. શહેરમાં જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં ફરતી ઓટો રીક્ષાઓ પૈકી 70 ટકા રીક્ષા પ્રદુષણનો ધુમાડો કાઢે છે જે પાછળ ચાલતા ટુ-વ્હીલર ચાલકોના શ્વાશ મારફત ફેફસા સુધી પહોંચે છે.
વડોદરા શહેર ટ્રાફિક વિભાગની નબળી કામગીરી છાશવારે ચાડી ખાય છે. ટુ-વ્હીલર ચાલકોને ટાર્ગેટ કરી કાયદાનો કડક અમલ કરાવી છાતી ફુલાવતી ટ્રાફિક પોલીસ ઓટોરીક્ષા ચાલકો સામે લાચાર નજરે પડે છે. શહેરમાં વસ્તીની જરૂરિયાત કરતા વધુ સંખ્યામાં ઓટો રીક્ષા છે જે ટ્રાફિકનું ભારણ વધારે છે. મોટા ભાગ ની ઓટોરીક્ષા સીએનજી છે. સીએનજી વાહન પ્રદુષણ કરતું નથી. જો કે સીએનજી ઓટો રીક્ષા પૈકી ૭૦ થી ૮૦ ટકા રીક્ષાઓ પ્રદુષણનો તીવ્ર ધુમાડો કાઢે છે. જાણકારો મુજબ સીએનજી રિક્ષામાં બહાર સડકો પર મળતું છૂટક ઓઇલ નાખવાથી રીક્ષા ધુમાડો છોડે છે. બહાર છૂટક ઓઇલના વેચાણ સામે વર્ષો પૂર્વે કાર્યવાહી પણ થઈ હતી. જો કે છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ આવી કાર્યવાહી કરવાનું ભૂલી ગઈ છે. ઈલોરાપાર્ક અને રાજમહેલ રોડ પર છૂટક ઓઇલ નું વેચાણ બિન્ધાસ્ત રીતે થાય છે.
અહીં થી અનુક્રમે ગોરવા અને રાવપુરા તથા નવાપુરા પોલીસની પીસીઆર દિવસમાં દશ વાર પસાર થાય છે. જો કે પોલીસ જાણે આંખ આડા કાન કરી લે છે. સસ્તા મળતા છૂટક ઓઇલ ભરાવી ઓટો રીક્ષા ચાલકો પોતાનો ફાયદો કરી અન્ય વાહન ચાલકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. તીવ્ર માત્ર માં પ્રદુષણના ધુમાડાનું ઝેર ઓકતી ઓટોરીક્ષાઓ પોલીસને નજરમાં આવતી નથી. એવુ નથી કે ટ્રાફિક પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ બાબત નું જ્ઞાન નથી. અધિકારીઓ સુધી રજુવાત પણ કરવામાં આવી છે. જો કે અધિકારીઓ આવી ઓટો રીક્ષા સામે કાર્યવાહી કરવા જાણે ટાળી રહ્યા છે.
આથી વિશેષ ઓટો રિક્ષામાં પાછળના ભાગે સામાન મુકવા હુડ લગાવી દેવામાં આવે છે. આરટીઓ ના નિયમ મુજબ વાહનના પાછળના ભાગે નાની બારી આપવામાં આવે છે જે પાછળથી આવતા વાહન ચાલક માટે રીક્ષાની આગળ ચાલતા વાહનને જોવા માટે હોય છે. આ બારી પર બંધ કરી હુડ લગાવી દેવામાં આવે છે જેના કારણે પાછળથી આવતા વાહનચાલકનું વિઝન બંધ થઈ જાય છે. આમ ટ્રાફિક પોલીસની નબળી કામગીરીથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને સડકો પર અકસ્માત ને આમઁત્રણ પણ આપે છે.