વડોદરામાં 11 લોકોને દુબઇ ફરવા હોલિડેઝનું પેકેજ આપી દપતિએ 7.43 લાખની છેતરપિંડી આચરી

સ્માઇલ હોલિડેઝ દ્વારા 7 રાત્રિ અને 8 દિવસનું પેકેજ 81,200માં ઓફર કરાયું હતું

MailVadodara.com - 7-43-lakh-fraud-by-couple-in-Vadodara-by-giving-package-of-holidays-to-11-people-to-Dubai

- દપતિએ બનાવટી ટિકિટ અને વિઝા લેટર પણ આપ્યા હતા

વડોદરા શહેરમાં સ્માઇલ હોલિડેઝમાંથી દુબઇ ફરવાનું પેકેજ લીધા બાદ બનાવટી ટિકિટ અને વિઝા આપીને 11 લોકો સાથે દંપતિએ 7.43 લાખની છેતરપિંડી આચરી છે. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી વાઘેશ્વરી સોસાયટીમાં રહેતા રાજેશકુમાર રામચંદ્ર શેલત (ઉં.વ.42)એ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સરદાર સરોવર નર્મદા નિગમના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નોકરી કરીને નિવૃત થયો છું. સ્માઇલ હોલિડેઝ દ્વારા દુબઇ ફરવા માટે 7 રાત્રિ અને 8 દિવસનું પેકેજ 81,200 રૂપિયામાં ઓફર કરવામાં આવ્યું હતું. જેમાં વિઝા, જમવા અને ટ્રાવેલિંગનો ખર્ચ આવી જાય છે. જેથી હું અને મારા ભાઇ સ્માઇલ હોલિડેઝની જેતલપુર રોડ પર આવેલી પવન કોમ્પ્લેક્ષ સ્થિત ઓફિસનો સંપર્ક કર્યો હતો. હું, મારા મોટાભાઇ ભાસ્કરભાઇ અને બનેવી વિષ્ણુપ્રસાદ ભટ્ટ (રહે. નડિયાદ) અને અમારી સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંત શાહે વાત કરી હતી.

હું મારા મોટા ભાઇ અને મારા મિત્ર કૃષ્ણકાંતભાઇ 13 જાન્યુઆરીના રોજ ઓફિસે મળવા માટે ગયા હતા. ત્યાં ઓફિસમાં શિવાનીબેન મળ્યા હતા. તેઓએ અમને પેકેજની માહિતી આપી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, અમારી મેઇન ઓફિસ રાજકોટમાં આવેલી છે અને તેના માલિક દીપ તન્ના છે. અમને પેકેજ સારું લાગતા 1.62 લાખ રૂપિયા ચેકથી આપ્યા હતા. મારા મોટાભાઇએ 1.62 લાખ રૂપિયા ચેકથી આપ્યા હતા અને કૃષ્ણકાંતભાઇએ 4 લાખ રૂપિયા આપ્યા હતા. મેં મારા બહેન રશ્મિકાબેન અને બનેવી વિષ્ણુપ્રસાદને પેકેજની જાણ કરતા તેઓએ ઓનલાઇન 1.62 લાખ રૂપિયા સ્માઇલ હોલિડેઝ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાં હતા. તે પછી 15 જાન્યુઆરીના રોજ અમને અમદાવાદથી શારજહા જવાની ટિકિટ શિવાનીએ ઓફિસમાંથી આપી હતી અને વિઝા લેટર પણ આપ્યો હતો. જેથી અમે શિવાની પાસે દુબઇ જવાનો પ્રોગ્રામ માંગ્યો હતો.

શિવાનીએ અમને જે ટિકિટ આપી હતી, તેનો પીએનઆર નંબર અમે ચેક કરતા તે ઓનલાઇન દેખાતો નહોતો. જેથી અમે દીપ તન્નાને ફોન કરીને જણાવ્યું હતું કે, તમે જે ટિકિટ આપી છે, તે ઓનલાઇન રજીસ્ટર દેખાતી નથી. 

આ અંગે દીપ તન્નાએ જણાવ્યું હતું કે, અમે તમારી ટિકિટનું બુકિંગ કરાવ્યું છે અને વિઝા લેટર પણ રાજકોટ ખાતે મોકલી આપ્યો છે. અમે જે ટિકિટ બુકિંગ કરાવી છે, તે ઓનલાઇન નહીં દેખાય. એરપોર્ટ પર ટિકિટ આપશો એટલે બોડિંગ પાસ મળી જશે. તમે અમારા ઉપર વિશ્વાસ રાખો, ત્યાર બાદ અમે 2 ફેબ્રુઆરીના રોજ અમે અમદાવાદ એરપોર્ટ જવાની તૈયારી કરી હતી. તે સમયે મારા મોટાભાઇ ભાસ્કરભાઇ શેલતના મોબાઇલ પર દીપ તન્નાએ મેસેજ કર્યો હતો કે, એર અરેબિયા એરલાઇન્સે ટિકિટો કેન્સલ કરેલી છે, તમારે પછી જવું હોય તો સેટ કરી આપું. જાેકે  અમારે સામાજિક પ્રસંગ હોવાથી અમારે પછી જવું નથી. અમારા રૂપિયા પાછા આપી દો, તેમ કહેતા તેઓએ પુરેપુરી રકમ પાછી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જો કે, હજી સુધી અમને રિફંડ આપ્યું નથી. કુલ 8.93 લાખ પૈકી 1.50 લાખ રૂપિયા પરત આપ્યા હતા, પરંતુ 7.43 લાખ રૂપિયા પરત આપ્યા નથી. જેથી આ મામલે મેં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments