શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી મહિલાના ક્રેડિટકાર્ડ પર પર્સનલ લોન મેળવી 7.10 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ સાયબર પોલીસ મથકમાં નોંધાઇ છે. આ ફરિયાદના આધારે સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાયબર ઠગો નવા નવા કિમીયા અજમાવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી છેતરપીંડી આચારી રહ્યા છે. ત્યારે હાલમાં મૂળ આણંદના અને શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા માલવીકાબેન ગેહલોતે સાયબર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મારું સેલેરી એકાઉન્ટ અલકાપુરી ખાતે આવેલા એક્સીસ બેંકમા છે. માર્ચ 2023ના પહેલા અઠવાડિયામાં મારા મોબાઈલ નંબર ઉપર એક્સીસ બેંક કસ્ટમર કેર નંબર ઉપરથી ફોન આવ્યો હતો. દરમિયાન જણાવ્યું હતું કે, તમારા માટે એક્સીસ ફ્લીપકાર્ટનું પ્રિ-અપ્રુઅલ ક્રેડીટ કાર્ડ મળવાપાત્ર છે. જેથી મેં ઈચ્છા દર્શાવી હતી અને તે કાર્ડ થોડા દિવસોમાં મને ક્રેડીટ કાર્ડ કુરીયર દ્વારા મારા મૂળ વતન આણંદ ખાતે આવેલું હતું.
ત્યાર બાદ આ ક્રેડિટ કાર્ડ મેં એક્ટીવ કર્યું નહિ અને તારીખ 23 માર્ચ 2023ના રોજ મારા પર એક નંબર પરથી કોલ આવેલો હતો. જેમાં કોલરે મને જણાવેલું કે, 'એક્સીસ બેંકમાંથી રજત સક્સેના એક્ઝિક્યુટીવ વાત કરું છુ, તમોને જે એક્સીસ બેંક તરફથી નવું ક્રેડીટ કાર્ડ ઈસ્યુ થયેલું છે તે એક્ટીવેટ કરાવશો તો તમોને બેંક તરફથી સારી એવી ઓફર મળશે, ક્રેડીટ કાર્ડની લીમીટ વધી જશે, તથા વાઉચર મળશે. તેમ કહી મોબાઈલ પર એક ઓટીપી આવેલો છે' તે જણાવો તેવું કહી બે વાઉચરમાં એક ફ્લીપકાર્ટ વાઉચર રૂપિયા 2,999 અને રૂપિયા 999નું તમારા આઉટલેટના વાઉચર ઇ-મેલ ઉપર મળશે અને તે વાઉચર રીસીવ કરવા માટે તમારું પાનકાર્ડ તેમજ તમારી જન્મતારીખ વેરીફાય કરવી પડશે.
બાદમાં અમે તેમને અમારા પાનકાર્ડ તેમજ જન્મ તારીખ આપી ત્યાર બાદ તેણે મને જણાવેલું કે તમારી માહિતી અમારા સર્વર પર મેચ થઈ ગઈ છે. તમે બે દિવસ બાદ વાઉચરનો ઉપયોગ કરી શકશો, પરંતુ તે માટે પહેલા તમારે તમારા મોબાઈલ ફોનમાં એક કોડ આવેલો હશે તે અમને જણાવવો પડશે. જેથી મેં મારા મોબાઈલ ફોનમાં આવેલો ઓ.ટી.પી કોડ તેઓને જણાવી દીધો. ત્યાર બાદ તેઓએ મને જણાવેલું કે, તમારી ક્રેડીટ કાર્ડની લીમીટ વધારી આપી છે. ત્યાર બાદ ફરી 5 એપ્રિલ-2023ના રોજ વોટ્સએપ મેસેજ દ્વારા વાઉચર બાબતે વાત થઈ હતી અને તેની પ્રોસેસ પેન્ડિંગ છે તેવું કહી ફરી ઓટીપી મેળવી લીધા હતા. બાદમાં બેન્ક એકાઉન્ટ ચેક કરતા પોતાના ઇમેઇલ આઇડીના બદલે અન્યનું ઇમેઇલ આઈડી દેખાતું હતું. જેથી ફરી રજત સક્સેનાને ફોનમાં આ બાબતે વાત કરતા તેઓએ ટાઈપિંગ મિસ્ટિક થઈ હોવાનું જણાવ્યું હતું.
બાદમાં વારંવાર આ પ્રકારે સુધારાના નામે મેસેજ મેળવી વાઉચર અને સુધારાના નામે ઓટીપી મેળવી પ્રથમ વખત રૂપિયા 4,95,011 અને બીજીવાર 2,02,711 રૂપિયા મળી કુલ 6,97,722 રૂપિયા ટ્રાન્સફર થઈ જતા બેન્ક તરફથી કોલ આવતા જણાવ્યું કે, આ તમે ટ્રાન્સફર કરી રહ્યા છો. ત્યારે ખબર પડી હતી કે આ ફ્રોડ થયું છે. ત્યાર બાદ હું 12 એપ્રિલ 2023ના રોજ મારી બેંકમાં રૂબરૂ જઇ પૂછપરછ કરતાં મારી સાથે ફ્રોડ થયેલું હોવાનું બેંકમાંથી જાણવા મળ્યું હતું. ક્રેડિટ કાર્ડના નામે ખાતામાંથી ફ્રોડ થયું ન હતું, પરંતુ તેના પર એક્સીસ બેંક એકાઉન્ટમાં પર્સનલ લોન થઈ ગઈ હતી. આખરે મહિલાએ સાયબર પોલીસનો સંપર્ક કરી થયેલા ફ્રોડ અંગે ફરિયાદ નોંધાવી હતી.