ગોત્રી મેડિકલ કોલેજમાં પુત્રનું એડમિશન કરાવવાના બહાને 65 લાખની છેતરપિંડી, 4 લોકો સામે ફરિયાદ

બે ભેજાબાજોએ પોતાની ઓળખ ગોત્રી મેડિકલ કોલેજમાં ડોક્ટર તરીકે આપી હતી

MailVadodara.com - 65-lakh-fraud-on-the-pretext-of-son-admission-in-Gotri-Medical-College-complaint-against-4-people

- દીકરાનું એડમિશન ન થતાં મે પૈસા પરત આપવાની માંગણી કરતા તેઓ ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા, પિતાએ ગોરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી

શહેરની ગોત્રી મેડિકલ કોલેજમાં પુત્રના એડમિશન માટે પિતા પાસેથી 65 લાખ રૂપિયા લઈને ચાર ભેજાબાજોએ છેતરપિંડી આચરી છે. બે ભેજાબાજોએ પોતાની ઓળખ ગોત્રી મેડિકલ કોલેજમાં ડોક્ટર તરીકે આપી હતી. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીધામની મંગલસ્મૃતિ ટેનામેન્ટમાં રહેતા રમેશભાઇ મકવાણાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું દોઢ-બે વર્ષ પહેલા ધંધાર્થે અને સગા સંબંધીઓને મળવા માટે ગયો હતો. તે સમયે મારી મિત્રતા નીરવ યશવંતભાઇ સોની (રહે. સહજાનંદ શરણમ સોસાયટી, બોરસદ, આણંદ) સાથે થઈ હતી. આ દરમિયાન વાતવાતમાં મારા દીકરાના એડમિશન માટેની વાત મેં નીરવને કરી હતી. ત્યારબાદ નીરવે મને કહ્યું હતું કે, મારી વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં સારી ઓળખાણ છે. તમારા દીકરાનું એડમિશન કરાવી દઇશ. જેથી મને તેના ઉપર વિશ્વાસ આવી ગયો હતો અને નિરવે ઓક્ટોબર-2022માં મને ફોન કરીને ગોત્રી મેડિકલ કોલેજના ગેટ ઉપર બોલાવ્યો હતો. તે વખતે નિરવ સોનીએ શ્રેય ગોવિંદભાઇ દેસાઇ (રહે. ખોડીયાર ચોક, શેરડી ગામ, બોરસદ, આણંદ) અને હિમાંશુ પુજાભાઇ પટેલ (રહે. દત્ત વિહાર સોસાયટી, ઊંડેરા ગામ, વડોદરા) ગોત્રી મેડિકલ કોલેજમાં ડોક્ટર છે, તેમ કહીને મારી તેમની સાથે ઓળખાણ કરાવી હતી.

શ્રેય દેસાઇએ મને જણાવ્યું હતું કે, મારા પિતાજી ગોવિંદભાઇ દેસાઇ સ્કૂલમાં પ્રિન્સિપાલ છે અને તેઓની સારી ઓળખાણ છે. તમારા દિકરાનું એડમિશન કરાવી આપશે અને એડમિશનનો ખર્ચ 65 લાખ રૂપિયા થશે. મારા દીકરાને ગોત્રી મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય અને તેની જિંદગી સુધરી જાય તે માટે ભરોસો રાખીને મેં હા પાડી હતી. ત્યારબાદ 10 લાખ રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત બાકી 55 લાખ રૂપિયા એડમિશનની ફી ભરાઇ જાય અને સ્લીપ અમે મળી જાય પછી આપવાનું નક્કી કર્યું હતું. જેથી મેં મિત્રો, સગા સંબંધીઓ અને પરિવારજનો પાસેથી ઉછીના રૂપિયા લઇને 55 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. 23 ડિસેમ્બર-2022ના રોજ નીરવ સોની, હિંમાશુ પટેલ અને શ્રેય દેસાઇને ગોત્રી મેડિકલ કોલેજના ગેટ બહાર 55 લાખ રૂપિયા આપ્યા હતા.

આ સમયે મને ત્યાં રોકીને ફી ભરવા જવાનું કહીને ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા. થોડીવારમાં તેઓ આવ્યા હતા અને 4.5 લાખ રૂપિયા ફી ભર્યાં અંગેની રિસીપ્ટ મને આપી હતી. જેથી હું વિશ્વાસમાં આવી ગયો હતો. રિસિપ્ટના ઉપરના ભાગે એડમિશન કમિટી ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કોર્સ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યું હતું. તેનાથી નીચે મારા દીકરાનું નામ પણ લખ્યું હતું અને ગોત્રી મેડિકલ કોલેજ પણ લખ્યું હતું. તેઓએ અમને જણાવ્યું હતું કે, તમારા દીકરાની એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. 23 ફેબ્રુઆરી-2023ના રોજ તમારા દિકરાને કોલેજમાં જોઇનિંગ માટે લઇને આવજો.

જેથી 23 ફેબ્રુઆરીના રોજ મારા મિત્ર દિનેશ ભુવા અને મારો દિકરો ગોત્રી મેડિકલ કોલેજમાં ગયા હતા અને આ ત્રણેયને મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, પ્રોસેસનું સર્વર બંધ થઇ ગયું છે, તમે 15 મિનિટ મોડા પડ્યા છો. જેથી જોઇનિંગની કાર્યવાહી થઈ શકશે નહીં. મારા દીકરાને આખો દિવસ રોકી રાખ્યા હતા, પરંતુ મારા દીકરાનું એડમિશન થયું નહોતું. મેં વાત કરતા તેઓએ મને કહ્યું હતું કે, તમારા દીકરાનું એડમિશન ચોક્કસથી થઈ જશે તમે ચિંતા ન કરતા. મારા દીકરાનું એડમિશન ન થતાં મેં નીરવ સોનીને વાત કરી હતી. જેથી તેને અમારી સાથે અમદાવાદમાં મિટિંગ કરી હતી. જેમાં ગોવિંદ દેસાઇ અને શ્રેય દેસાઇ હાજર હતા. મારા દીકરાનું એડમિશન ન થતાં મે પૈસા પરત આપવાની માંગણી કરતા તેઓ ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા.

તેઓ મને 65 લાખ રૂપિયા પરત આપતા ન હોવાથી 28 માર્ચ-2023ના રોજ હું અને નિરવ સોની લાલપુરા પ્રાથમિક શાળાના શ્રેયના પિતા ગોવિંદ દેસાઇને મળ્યા હતા. તેઓએ કોઇ વ્યાજબી જવાબ આપ્યો નહોતો. જેથી 29 માર્ચના રોજ મેં નિરવ સોનીએ મને બતાવવા માટે શ્રેય દેસાઇ, ગોવિંદ દેસાઇ અને હિંમાશુ પટેલ સામે પોલીસમાં અરજી આપી હતી. મેં ગોત્રી મેડિકલ કોલેજમાં જઇને તપાસ કરતા મારા દીકરાના એડમિશનની પ્રોસેસ ત્યાં થઇ જ નહોતી. જેથી મેં નીરવ સોની, શ્રેય દેસાઇ, ગોવિંદ દેસાઇ અને હિંમાશુ પટેલ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments