- આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં મળી આવેલ બેંક ખાતામાં કુલ 22 કરોડના નાણાંકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું
વડોદરા સાયબર ક્રાઇમની ટીમે ટેલીગ્રામ એપ્લીકેશનના માધ્યમથી છેતરતી ટોળકીના 6 ઇસમોને વિવિધ શહેરોમાંથી દબોચી લેવામાં આવ્યા છે. અગાઉ સાયબર ક્રાઇમમાં રૂપિયા 21.96 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે પોલીસે કરેલી કાર્યવાહી ગુનેગારોમાં ફફડાટ પેંસાડે તેવી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા જિતેન્દ્ર બડગુજરને ટેલીગ્રામ ઉપર પાર્ટ ટાઇમ જોબ આપવાની લાલચ આપવામાં આવી હતી. એક વેબસાઈટના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી ટાસ્ક પુરા કરવાના બહાને કસ્ટમર કેર નંબરમાંથી બેંક એકાઉંટ નંબર આપી તેમાં પૈસા જમા કરાવી અલગ-અલગ ટાસ્ક આપવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદીએ સૌપ્રથમ આપવામાં આવેલ ટાસ્ક માટે રૂપિયા 75,000 ભરાવડાવી રૂપિયા 97,200 વળતર આપી વિશ્વાસમાં લીધો હતો. બાદમાં વિશ્વાસમાં આવી ફરિયાદીને અલગ અલગ ટાસ્ક પુરા કરવા તથા અલગ અલગ બહાના બતાવી રૂપિયા 80 લાખનું વળતર આપવાની લાલચ આપીને રૂપિયા 21,97,396 ભરાવ્યા બાદ પણ વધુ પૈસાની માંગણી કરી હતી. બાદમાં ફરિયાદી સાથે ઇલેક્ટ્રોનીક માધ્યમથી વિશ્વાસઘાત-છેતરપિંડી થતાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેનાં આધારે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરની ટોળકીના 6 સભ્યોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ ગુનામાં સંડોવાયેલ આરોપી જિગર શુક્લે ફર્મ ઊભી કરીને બે બેંકમાં ખાતાઓ ખોલાવી કમિશન લઈને સહ આરોપી જતીન પટેલ મારફતે સંદિપ પંડ્યાને આપ્યું હતું. જતીન પટેલ બેંકિંગ અને લોન/વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલ હોવાથી બેંકમાં તેના મિત્રો મારફતે પણ બેંક ખાતાઓ ખોલાવીને સંદિપ પંડ્યાને આપ્યું હતું, જેનુ તેને સારૂ કમિશન મેળ્યું હતું. સંદીપ પંડયા આવી રીતે અલગ-અલગ માણસોના નામે ફર્મ ઊભી કરી અલગ-અલગ બેંકમાં ખાતાઓ ખોલાવીને તેમજ તે બેંક ખાતાઓમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના સીમકાર્ડ ભાવનગરના ખાલીદખાન પઠાણ પાસેથી સારા એવા રૂપિયા આપીને ગેમિંગમાં ઉપયોગના બહાને મેળવતો હતો. ખાલીદખાન પઠાણ રિયાજ પઠાણને રૂપિયા આપીને તેની પાસેથી તેણે અન્ય લોકોના નામે રૂપિયાની લાલચ આપીને ઇસ્યુ કરાવેલા સીમ કાર્ડ મેળવતો હતો. આવી રીતે તૈયાર થયેલ બેંક ખાતાઓની બેંકિંગ કીટ અને સીમકાર્ડ સંદીપ પ્રદ્યુમનસિંહ વાઘેલાને રૂપિયા લઈને આપતો હતો. આ પ્રદ્યુમનસિંહ વાધેલા તે કીટ અને સીમકાર્ડ કમિશન લઈને સહ આરોપીઓને દુબઈ મોકલતો હતો.
આવા ડમી બેંક ખાતાઓનો ઉપયોગ સાયબર ક્રાઇમના ગુનાઓ જેવા કે ટાસ્ક જોબ ફોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ચાઈનીજ લોન એપ ફ્રોડ, ચાઇનિજ ગેમ્સ, ચાઈનીજ ક્રિપ્ટો એપ વેબસાઇટ વગેરે જેવા ગેરકાયદેસરના નાણાંની હેરફેર માટે કરવામાં આવે છે. આ આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં મળી આવેલ બેંક ખાતામાં કુલ 22 કરોડના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓ
જીગર ગીરીશ શુકલ (ઉં.વ.50, ધંધો ફાઇનાન્સ એજન્ટ, અભ્યાસ: એમ.બી.એ.ફાઇનાન્સ, રહેવાસી: કાકરીયા, અમદાવાદ)
જતીન ચંદુભાઇ પટેલ (ઉં.વ.38, ધંધો: બેંકીંગ એજન્ટ, અભ્યાસ ધો. 10 પાસ, હાલ રહેવાસી: આયુષી ત્રાગડ રોડ, અમદાવાદ)
સંદિપ પ્રવિણભાઇ પંડ્યા (ઉં.વ.33, ધંધો. ગર્વમેન્ટ કોન્ટ્રક્ટર, અભ્યાસ બી.સી.એ., રહેવાસી-અમદાવાદ)
પ્રધ્યુમનસિંહ અશોકસિંહ વાઘેલા (ઉં.વ.32, ધંધો ગર્વમેન્ટ કોન્ટ્રક્ટર, અભ્યાસ: બી.કોમ., હાલ રહેવાસી, કુડાસણ ગાંધીનગર)
રીયાઝ ફારૂકભાઇ પઠાણ (ઉં.વ.26, ધંધો ડ્રાઇવીંગ, અભ્યાસ ધો.10, રહેવાસી: સાઢીયાવાડ, ભાવનગર)
ખાલીદખાન રઝાકખાન પઠાણ (ઉં.વ.48, ધંધો ગાડી લે-વેચ, અભ્યાસ: ધોરણ-3, રહેવાસી: અવેડવાળ, ભાવનગર)