- કારેલીબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ચાર ભેજાબાજો સામે ફરિયાદ નોંધાવી, શોધખોળ શરૂ
ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને ચાર ભેજાબાજોએ વડોદરાની મહિલાને 6.93 લાખ વિવિધ એકાઉન્ટમાં ભરાવડાવ્યા હતા. ત્યારબાદ ઠગોએ ભરેલા રૂપિયા કે તેનું કમિશન પણ ન ચૂકવીને મહિલા સાથે છેતરપિંડી આચરી હતી. જેથી મહિલાએ વડોદરા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભેજાબાજોએ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા આઈડી પરથી મારો સંપર્ક કર્યો હતો. જેમાં મને જણાવ્યું હતું કે, ગૂગલ મેપ પર મેન્યુફેક્ચરિંગના રિવ્યુ આપી પૈસા કમાવવાની લાલચ આપી પહેલા ટાસ્ક કરવાના બદલામાં શરૂઆતમાં 33 હજાર રૂપિયા વળતર ચૂકવ્યું હતું. જેથી મને વિશ્વાસ આવી ગયો હતો.
ત્યારબાદ ભેજાબાજોએ મને કહ્યું હતું કે, જેટલા ટાસ્ક કરતા રૂપિયાનું રોકાણ કરશો, તેટલા વધુ રૂપિયાનું વળતર મળશે. તેમ કહી મને ટાસ્કના બદલામાં અલગ-અલગ એકાઉન્ટમાં 6.93 લાખ રૂપિયા ભરાવ્યા હતા. ત્યારબાદ તેઓએ મને જણાવ્યું હતું કે, તમે રૂપિયા એક સામટા ઉપાડી શકશો, પરંતુ મારા ભરેલા રૂપિયા કે અને કમિશન ઓનલાઈન ચેક કરતા કોઈ રકમ બતાવતી નહોતી. જેથી મારી સાથે છેતરપિંડી થઈ હોવાનો એહસાસ થયો હતો. જેથી મેં વડોદરા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ચાર ભેજાબાજોની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ટાસ્ક પૂરા કરવાના બહાને વડોદરા શહેરના અનેક લોકો સાથે છેતરપિંડી થઈ ચૂકી છે. તેથી વડોદરા સાયબર ક્રાઇમે લોકોને આવા ભેજાબાજોથી બચીને રહેવા માટે અપીલ કરી છે.