અકોટામાં વેપારીના બંધ મકાનમાંથી બુકાનીધારી ત્રિપુટી દાગીના સહિત 6.74ની મત્તા ચોરી ફરાર

વેપારી પોતાનું મકાન બંધ કરી આરામ કરવા ભાઇના ઘરે આરામ કરવા ગયા હતા

MailVadodara.com - 6-74-Matta-stolen-from-locked-house-of-businessman-in-Akota

- સોસાયટીમાં ત્રાટકેલા બુકાનીધારી તસ્કર ત્રિપુટી સીસીટીવીમાં કેદ થઇ

શહેરના અકોટા વિસ્તારમાં રહેતા વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 6.74 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હતા. વેપારીના મકાનમાં બુકાનીધારી ત્રાટકેલી તસ્કર ત્રિપુટી સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આ બનાવ અંગે જે.પી પોલીસે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


મળેલી માહિતી પ્રમાણે શહેરના અલકાપુરી વિસ્તારમાં બુક સ્ટોર ધરાવતા અને અકોટાની 30, સુનિતા સોસાયટીમાં રહેતા વેપારી અનિલભાઇ રામલાલ અગ્રવાલને અકસ્માત થયો હોવાથી તા.3 જુનથી 6 જુન-2023 દરમિયાન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા. અને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેમનું મકાન બંધ કરી આરામ કરવા પરિવાર સાથે મોટા ભાઈના ઘરે ગયા હતા અને ભાઈના ઘરે 8 દિવસ આરામ કરી તા. 14 જૂનના રોજ પોતાના ઘરે પરત ફર્યા હતા. ઘરે આવ્યા બાદ મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો અને તાળું તૂટેલું જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન વેપારી અનિલભાઇ અગ્રવાલે મકાનમાં પ્રવેશીને જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને મંદિરવાળા રૂમમાં મુકેલ તિજોરીનું તાળું પણ તૂટેલી હાલતમાં હતું. બાદમાં તિજોરીમાં તપાસ કરતા તિજોરીમાં મુકેલ સોના-ચાંદીના દાગીના તથા રૂપિયા 3 લાખ રોકડા મળી અજાણ્યા તસ્કરો કુલ રૂપિયા 6,74,500ની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું.


મકાનમાંથી ચોરી થયા બાદ અનિલભાઇ અગ્રવાલે સોસાયટીમાં એક મકાનમાં લગાવવામાં આવેલા સી.સી. ટી.વી. ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં બાઇક સવારે બુકાનીધારી તસ્કર ત્રિપુટી ત્રાટકી હોવાનું જણાઇ આવ્યું હતું. સી.સી. ટી.વી.માં વેપારી પરિવાર જે દિવસે પોતાના ઘરે પરત ફર્યું હતું. તે જ દિવસની વહેલી સવારે તસ્કર ત્રિપુટી ત્રાટકી હતી અને રૂપિયા 6.74 લાખનો મુદ્દામાલ ચોરી ગઇ હતી.


દરમિયાન તેઓએ આ બનાવની જાણ જે.પી. પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી અને તપાસ કરી હતી. વેપારીએ જે.પી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારીની ફરિયાદના આધારે તા.14મીના રોજ મોટરસાઇકલ પર સવારે 5 વાગે ચોરી કરવા આવેલી અજાણી તસ્કર ત્રિપુટી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવે સુનિતા સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓમાં ચકચાર જગાવી મૂકી હતી.

Share :

Leave a Comments