અલકાપુરીની પાર્ક પ્રીવેરા હોલિડેઝ કંપની દ્વારા હોલિડે પેકેજના બહાને 6 લોકો સાથે 6.71 લાખની છેતરપિંડી

કંપનીના બે ડિરેક્ટરો સહિત 4 લોકો સામે બેંકના કર્મચારીએ ઠગાઇની ફરિયાદ નોંધાવી

MailVadodara.com - 6-71-Lakh-fraud-to-6-people-on-the-pretext-of-holiday-package-by-Park-Prevera-Holidays-Company-of-Alkapuri

વડોદરાના અલકાપુરીમાં આવેલી પાર્ક પ્રીવેરા હોલિડેઝ પ્રા.લી. કંપનીના બે ડિરેક્ટરો સહિત ચાર લોકોએ હોલિડે પેકેજ આપવાનું કહીને 6 લોકોને 6.71 લાખ રૂપિયાની ઠગાઇ કરી છે. વારંવાર કહેવા છતાં હોલિડેની સર્વિસ આપતા ન હતા અને ફોન પણ બંધ કરી દીધા હતા. જેથી કંપનીના ચાર લોકો સામે બેંકના કર્મચારીએ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના સયાજીપુરા રોડ પર દર્શન હાઇવ્યુમાં રહેતા વિમલકુમાર રામેશ્વર સિંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, હું યુ.કો. બેંકની આજવા રોડ ઉપર પાણીગેટ બ્રાન્ચમાં કેશ ઇન્ચાર્જ તરીકે નોકરી કરુ છું. વર્ષ 2021માં અલકાપુરી ખાતે આવેલી પાર્ક પ્રીવેરા હોલિડેઝ પ્રા.લી. કંપનીના બે ડિરેક્ટર રાહુલ ગુપ્તા તથા અલી અંસારીએ હોલીડે પેકેજ અંગેના સેમીનારનું આયોજન કર્યું હતું. જેમાં ગોત્રી યશ કોમ્પ્લેક્સ ખાતે હોટલ તારાસન ખાતેના સેમીનારમાં અમને પણ બોલાવી તેઓની કંપનીના કર્મચારી સુઝલ રાજપુત તથા નીશીત શ્રીવાસ્તવ દ્વારા દસ વર્ષ માટે દર વર્ષે એકવાર સાત રાત્રિ તથા આઠ દિવસનું એક હોલિડે પેકેજ આપવાનું કહી તમામ માહિતીથી વાકેફ કર્યા હતા. જેથી તેઓએ મીઠીમીઠી વાતો કરીને અમને વિશ્વાસમાં લઈ લીધા હતા. અમારી પાસેથી રૂ. 1.22 લાખ રૂપિયા મેળવી લીધા બાદ મને બે વર્ષ દરમિયાન પેકેજમાં જણાવેલી સ્કીમ બતાવી હતી, પરંતુ બાદમાં તેઓ પેકેજમાં દર્શાવેલી સ્કીમો મુજબ કોઈ બુકિંગ કરી આપ્યું ન હતું. જેથી અમે તેઓના મોબાઈલ નંબર ઉપર ફોન કરતાં બંધ કરી દીધા હતા. જેથી મેં આ કંપનીના કસ્ટમર કેર તથા તેઓના ઈ-મેઈલ આઈ.ડી પર સંપર્ક કરતા રીપ્લાય આપવાનું બંધ કરી દીધુ હતું.

જેથી ઓનલાઇન તપાસ કરતા અન્ય લોકો પ્રકાશકુમાર રાજગોર પાસેથી 1.12 લાખ, અર્પિત દિપકભાઈ શાહ પાસેથી 1.30 લાખ, જીતેન્દ્ર નામચંદ્ર સાધ વાણી પાસેથી 95 હજાર, નિરજ ઈન્દ્રવદન મઝમુદ્દાર પાસેથી 80 હજાર, કૃણાલ જશભાઈ પટેલ પાસેથી 1.32 લાખના તથા મારી રકમ મળી કુલ 6.71 લાખ રૂપિયા પાર્ક પ્રિવેરા હોલિડેઝના ડિરેક્ટરોએ મેળવી આજદીન પેકેજને લગતી કોઈ પણ પ્રકારની સર્વીસ નહી આપી છેતરપિંડી આચરી છે. જેથી ગોત્રી પોલીસે રાહુલ ગુપ્તા, અલી અંસારી, કર્મચારી સુઝલ રાજપુત તથા નીશીત શ્રીવાસ્તવ સામે ગુનો દાખલ કર્યો છે.

Share :

Leave a Comments