વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી અને ખૂબ લાંબો સમય સુધી ચાલેલી જૂનિયર ક્લાર્ક ભરતી પ્રક્રિયાના નિમણૂક પત્રો રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે રવિવારે પંડિત દિનદયાલ ઓડિટોરિયમ ખાતે આપવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રી કેટલાક વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્કની 552 જગ્યા માટે ઉમેદવારોની પસંદગી બાદ કોર્પોરેશનમાં તેઓની નોકરી હવે શરૂ થવાની છે. તારીખ 3ના રોજ મુખ્યમંત્રી વડોદરા આવે છે. ત્યારે 552માંથી હાલ 525 ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવશે. આ 525 ઉમેદવારોને તારીખ 2 અને 3ના રોજ વડોદરા બોલાવ્યા છે અને સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સવારે 10થી સાંજ સુધી તેઓનું ઓરિયન્ટેશન કરવામાં આવનાર છે. જેમાં કોર્પોરેશનના વિવિધ વિભાગના વડાઓ આ ઉમેદવારોને કોર્પોરેશનના જુદા જુદા વિભાગો જેમ કે એકાઉન્ટ એન્જિનિયરિંગ, ઓડિટ, રેવન્યુ વગેરેમાં કેવા પ્રકારની કામગીરી હોય છે અને કઈ રીતે કરવાની હોય તેની સમજ આપશે. ત્યાર બાદમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ 3ની સાંજે વડોદરા આવી રહ્યા છે. જેમાં કોર્પોરેશનના 156 કરોડના 32 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જ્યારે વુડાના 617 કરોડના બે કામોનું ખાતમુહૂર્ત કરવાના છે. જેમાં 360 કરોડના ખર્ચે ડ્રાફ્ટ લેવલની મંજૂર ટીપી સ્કીમમાંથી રોડનું કામ છે અને બીજું 257 કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્કની કામગીરી છે. આ બંને કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ગત તારીખ 22ના રોજ પ્રધાનમંત્રીના હસ્તે 961 કરોડના 11 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એ પછી મુખ્યમંત્રીના હસ્તે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે કે ગણતરીના દિવસોમાં જ 1,734 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં શહેરના આજવા રોડ ખાતે આવેલા પંડિત દિનદયાલ ઓડિટોરિયમ ખાતે યોજાશે. જ્યાં 525 ઉમેદવારોને રાજ્યના મુખ્યમંત્રી પોતાના હાથે નિમણૂક પાત્રો આપશે.
આ અંગે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યા મુજબ, તારીખ 3ના રોજ રાજ્યના મુખ્યમંત્રી આવવાના છે અને આ કાર્યક્રમમાં પંડિત દિનદયાલ ઓડિટોરિયમ ખાતે યોજાશે. જ્યાં 552 પૈકી 525 ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે નિમણુંક પત્રો આપવામાં આવશે.