દિલ્હીમાં યોજાયેલી સંયુક્ત ભારત ખેલ ફેડરેશન નેશનલ ગેમ્સમાં વડોદરાની 5 મહિલાએ ગોલ્ડની વણઝાર લગાવી

નેશનલ ગેમ્સમાં 22થી વધુ રાજ્યોના 3000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો

MailVadodara.com - 5-women-from-Vadodara-clinched-gold-in-the-United-India-Sports-Federation-National-Games-held-in-Delhi

- વડોદરાની 49 વર્ષથી લઇને 63 વર્ષ સુધીની આ 5 મહિલાઓમાં કોઇએ 9 તો કોઇએ 10 મેડલ મળવ્યા, હવે પાંચેય દુબઇમાં ઇન્ટરનેશનલ રમવા જશે


તાજેતરમાં જ દિલ્હી ખાતે યોજાયેલ સંયુક્ત ભારત ખેલ ફેડરેશન નેશનલ ગેમ્સ-2023માં વડોદરાની મહિલા સ્વીમર કરુણાસિંગે એથ્લેટિક અને સ્વિમિંગ સ્પર્ધામાં 9 મેડલ મેળવ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ 350થી વધુ મેડલ મેળવ્યા છે. નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વડોદરાની 5 મહિલાઓનું ગ્રુપ ગયું હતું. આ મહિલાઓમાં કોઇએ 3 તો કોઇએ 10 મેડલ મેળવ્યા છે. આ ઉપરાંત પાંચેય મહિલાઓનું દુબઇમાં ઇન્ટરનેશનલ સ્વિમિંગ ગેમ્સમાં રમવા માટે સિલેક્શન થયું છે.

ગત 26થી 28 મે દરમિયાન દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે સંયુક્ત ભારત ખેલ ફેડરેશન નેશનલ ગેમ્સ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 22થી વધુ રાજ્યોના 3000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વડોદરાની 5 મહિલાઓની ટીમે સ્વિમિંગ સહિતની રમતોમાં ભાગ લીધો હતો અને 49 વર્ષથી લઇને 63 વર્ષ સુધીની આ મહિલાઓએ ગોલ્ડ મેડલની વણઝાર કરી દીધી હતી. જેમાં 60 વર્ષીય કરુણાસિંગે સ્વિમિંગમાં 6 સહિત કુલ 9 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. 50 પ્લસની કેટેગરીમાં માધુરી પટવર્ધને સ્વિમિંગમાં 6 અને એથ્લેટિકમાં 4 સહિત 10 મેડલ મેળવ્યા હતા. 63 વર્ષના લીલા ચૌહાણે પણ 10 મેડલ મેળવ્યા છે. 49 વર્ષીય વિભા દેશપાંડેએ મેડલ અને ડો. જાગૃતિ ચૌધરીએ 3 મેડલ મેળવ્યા હતા. લોકો જે ઉંમરે નિવૃત થઇ જતા હોય છે, એ ઉંમરે પણ આ મહિલાઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે એક્ટિવ છે અને હવે આ તમામ મહિલાઓ ઇન્ટરનેશનલ રમવા જવાની છે.


એથ્લેટિક અને તરણ સ્પર્ધામાં 9 મેડલ મેળવનાર વડોદરાના 60 વર્ષીય કરુણા સિંગે જણાવ્યું હતું કે, સંયુક્ત ભારત ખેલ ફેડરેશન નેશનલ ગેમ્સમાં મેં ગુજરાતનું પ્રતિનિધત્વ કર્યું હતું. વડોદરાની ટીમમાં તમામ મહિલાઓએ ખૂબ જ મેડલ પ્રાપ્ત કર્યાં છે. જેમાં 20થી વધુ સ્પોર્ટ્સ હતા. જેમાં મેં સ્વીમીંગ અને એથ્લેટિકમાં ભાગ લીધો હતો. અમારી ટીમ હવે ઇન્ટરનેશનલમાં દુબઇ રમવા જવા માટે સિલેક્ટ થઇ છે. અમે ઓક્ટોબર-નવેમ્બરમાં સ્વીમિંગ ઇન્ટરનેશનલ રમવા માટે જઇશું. આ ઉપરાંત હું 18 ઓગસ્ટના રોજ હું એથ્લેટિક માટે શ્રીલંકા જવાની છું. હું બાળપણથી સ્પોર્ટ્સમાં છું અને હું એથ્લેટિક, સાઇકલિંગ અને સ્વીમિંગ કરું છું. તાજેતરમાં ઓલ ઇન્ડિયા સાઇકલિંગ ઇવેન્ટમાં હું ફર્સ્ટ આવી હતી. જેમાં એક મહિનામાં 8 હજાર કિલોમીટર સાઇકલિંગ કર્યું હતું. અત્યારે મારી પાસે 350થી વધુ મેડલ છે.


સ્વીમર માધુરી પટવર્ધને જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સમાં મેં 50 પ્લસ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં મેં સ્વીમિંગમાં 6 મેડલ અને એથ્લેટિકના 4 સહિત કુલ 10 મેડલ મેળવ્યા છે. સ્વીમિંગમાં મે 5 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવ્યો છે. અમારા બધાનું દુબઇમાં ઇન્ટરનેશનલ રમવા માટે સિલેક્શન થયું છે, પણ અમારી પાસે દુબઇ રમવા જવા માટે પુરતા પૈસા નથી. અમને કોઇ સપોર્ટ કરે, તેવુ અમે ઇચ્છીએ છીએ. તો અમે ઇન્ટરનેશનલ રમી શકીએ. કોઇ મદદ નહીં મળે તો અમારા માટે દુબઇ રમવા જવુ શક્ય નથી. 

63 વર્ષીય સ્વીમર લીલા ચૌહાણે જણાવ્યું હતું કે, હું છેલ્લા 15 વર્ષથી સ્વીમિંગ કરું છું. આ ઉપરાંત એથ્લેટિકમાં પણ રમુ છું. દિલ્હી ખાતે મેં 10 મેડલ મેળવ્યા છે. હું 5થી 6 નેશનલ ગેમ્સમાં રમી ચૂકી છું. મારી પાસેથી 300થી 350 જેટલા મેડલ છે. હું બેડમિન્ટન અને વોલિબોલ સહિતની ગેમ્સ રમું છું. હું ક્રિકેટ અને ચેસ રમતી નથી, તે મને પસંદ કરે છે. હું 63 વર્ષની ઉંમરે પણ રમતો રમુ છું અને નેશનલ રમવા માટે પણ જાઉં છું. મને માધુરી પટવર્ધને મને ખૂબ જ મોટિવેટ કરી છે. બીજા રાજ્યોમાં રમતવીરોને સપોર્ટ મળે છે, પરંતુ અમને ગુજરાત તરફથી અમને કોઇ સપોર્ટ કરે છે. અમે અમારા ખર્ચે રમવા માટે જઇએ છીએ.


સયાજી હોસ્પિટલના ડો. જાગૃતિ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારું ગ્રુપ દિલ્હીમાં નેશનલ રમવા માટે ગયું હતું. ત્યાં મેં 3 મેડલ મેળવ્યા છે. તમામ મહિલા ખેલાડીઓએ ખૂબ મેડલ મેળવ્યા છે અને હવે અમે દુબઇ ખાતે ઇન્ટરનેશનલ રમવા જવાના છીએ.

Share :

Leave a Comments