- બે જૂથના યુવાનો વચ્ચે થયેલી મારામારીના પગલે ગામમાં સન્નાટો વ્યાપી ગયો
શહેર નજીક આવેલા સયાજીપુરા ગામમાં ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડાના સમાધાન દરમિયાન બે જૂથ વચ્ચે તિક્ષ્ણ હથિયારો સાથે હિંસક અથડામણ થઇ હતી. બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 5 વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ ઘટના ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને મામલો થાડે પાડ્યો હતો. આ બનાવમાં પોલીસે 4 હુમલાખોરોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલી માહિતી પ્રમાણે શહેર નજીક આવેલા સયાજીપુરા ગામની પાછળ આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં સાંજના સમયે છોકરાઓ ક્રિકેટ રમતા હતા. જેમાં પિન્ટુ ટેલર અને ઉર્વેશ પઠાણ પણ ક્રિકેટ રમતા હતા. દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો પૂરો થયા બાદ ઉર્વેશ પઠાણ, સોહિલ દિવાન, એજાઝ પઠાણ અને મોઇન પઠાણે પૂર્વ આયોજન કરીને સાંજે થયેલા ઝઘડાનું સમાધાન કરવા માટે વિજય રસુલભાઈ મુનીયા, રણજીત નગીનભાઇ લુહાર, સંદિપ રણજીતસિંહ ચૌહાણ, ધ્રુવલ ઉર્ફ ભાણીયો સંજયસિંહ રાઠોડ, રોહિત નગીનભાઇ લુહારને બોલાવ્યા હતા. બંને કોમના યુવાનો આમલેટની લારી ઉપર ભેગા થયા હતા અને સમાધાન માટેની વાતચીત શરૂ થતાં જ હુમલાનું પૂર્વ આયોજન કરી તિક્ષ્ણ હથિયારો સાથે આવી પહોંચેલા ઉર્વેશ પઠાણ, સોહિલ દિવાન, એજાઝ પઠાણ અને મોઇન પઠાણે સમાધાન માટે આવેલા યુવાનો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સમાધાન માટે આવેલા તમામને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મોડી રાત્રે સયાજીપુરા ગામમાં ક્રિકેટ રમવા બાબતે બે જૂથના યુવાનો વચ્ચે થયેલી મારામારીના પગલે ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ બનાવની જાણ કપુરાઇ પોલીસને થતાં પી.આઇ. કે.કે. જાદવ, પી.એસ.આઇ. આર.એન. સિસોદીયા, એલ.એન. સાંસલા સ્ટાફ સાથે દોડી ગયા હતા. તે સાથે ડી.સી.પી. લિના પાટીલ પણ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને ગામના યુવાનો વચ્ચે થયેલી મારામારીના ઘેરા પ્રત્યાઘાત પડે તે પહેલાં મામલો થાળે પાડી દીધો હતો. અને ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
આ દરમિયાન આ બનાવ અંગે વિજયભાઇ મુનિયાએ કપુરાઇ પોલીસ મથકમાં ઉર્વેશ પઠાણ, સોહિલ દિવાન, એજાઝ પઠાણ અને મોઇન પઠાણ સામે સમાધાન માટે બોલાવી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ સામે હુલ્લડ, હત્યાનો પ્રયાસ, પૂર્વ આયોજીત કાવતરું વિગેરે કલમો સાથે ગુનો દાખલ કરી તમામની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ આ બનાવ અંગે ડી.સી.પી. લીના પાટીલે જણાવ્યું હતું કે, મોડી સાંજે સયાજીપુરા ગામમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં બે જૂથના યુવાનો વચ્ચે મારા મારી થઇ હતી. હાલ ગામમાં શાંતિ છે. આ બનાવમાં 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. અને તેઓ સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમો લગાવી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.