સાવલીમાં તાત્રિક વિધિના નામે જંગલી ઉંદર વેચવા ફરી રહેલી ટોળકીના 5 ઝડપાયા, બે ઉંદર કબજે કર્યાં

સંસ્થાએ નકલી ગ્રાહક બનીને 10 લાખમાં જંગલ ઉંદરનો સોદો કર્યો હતો

MailVadodara.com - 5-of-the-gang-selling-wild-mice-in-the-name-of-Tatrik-ritual-in-Savli-were-caught-two-mice-seized

- સોદા બાદ પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા, સાવલી પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 5 શખસોને દબોચી લીધા હતા


વડોદરા જિલ્લાના સાવલીનગરમાં તાંત્રિક વિધિના નામે વન્ય જીવોનું વેચાણ કરવા ફરી રહેલી ટોળકીનો પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાએ પર્દાફાશ કર્યો છે. સંસ્થાએ નકલી ગ્રાહક બનીને 10 લાખમાં જંગલ ઉંદરનો સોદો કર્યો હતો. સોદા બાદ પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા, સાવલી પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 5 શખસોને દબોચી લીધા હતા. પોલીસ આ પાંચ આરોપીઓને કાલે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગ કરશે.


રાજ્યમાં વન્ય પ્રજાતિઓની દુર્લભ જાતિઓ પર તાંત્રિક વિધિ કરીને પૈસા પડાવવા તેમજ આર્થિક લાભ લેવા માટે વિવિધ ટોળકીઓ રાજ્યમાં કાર્યરત છે. આ ટોળકી આંધળી ચાકળ, કાંટા શેરીયુ સહિતના વિવિધ પ્રાણીઓ તાંત્રિક વિધિ માટે કામમાં આવે છે તેવી લાલચુ લોકોને માહિતી આપી નાણાં પડાવતા હોય છે. જો કે, આવી દુર્લભ જાતિને બચાવવા માટે વિવિધ સંસ્થાઓ ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગ આવી ટોળકીઓ ઉપર બાજ નજર રાખી રહી છે.


આજે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સભ્ય અનિલ ભાટિયાને માહિતી મળી હતી કે, તાલુકામાં કેટલાક શખસો આવી દુર્લભ જાતિના જીવોની ખરીદ-વેચાણના ધંધામાં સંકળાયેલી છે. અને એક ટોળકી કાંટા શેરીયુ વેચવા માટે ફરી રહી છે. જેથી તેઓએ નકલી ગ્રાહક બનીને ટોળકીનો સંપર્ક કર્યો હતો. અને ટોળકીનો પર્દાફાશ કરવા માટે સાવલી પોલીસ અને વન વિભાગની મદદ લીધી હતી.

સંસ્થાના કાર્યકર અનિલ ભાટીયાએ ટોળકીનો સંપર્ક કરી બે નંગ જંગલી ઉંદર ખરીદવા માટે તૈયારી બતાવી હતી. અને રૂપિયા 10 લાખમાં સોદો કર્યો હતો. સોદો નક્કી થયા બાદ ટોળકી આજે કાંટા શેરિયું (જંગલી ઉંદર)ના બે નંગ લઈને સાવલી ખાતે ડિલીવરી કરવા માટે આવી પહોંચી હતી. ટોળકીના 5 સાગરીતો આવતા જ વોચમાં ગોઠવાયેલી પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થા, પોલીસ અને વન વિભાગે દબોચી લીધા હતા.


ઝડપાયેલા આરોપીઓમાં સોમા બાબુભાઈ ચૌહાણ (રહે. અંધારવાડી, તા. સાવલી), અમૃત શંકરભાઈ સોનારા (રહે. અમદાવાદ), દિલીપસિંહ રામસિંગ બિઓલા (રહે. અમદાવાદ), સંજય કુમાર કરખાસિંહ ગોહિલ (રહે. બેચરી ઉમરેઠ) અને વિજય દશરથભાઈ પરમાર (રહે. અંધારવાડી, તા. સાવલી)નો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, આ બનાવ અંગે સાવલી પોલીસ અને ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટોળકી પાસેથી બે મોબાઇલ ફોન, બે નંગ જંગલી ઉંદર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. સાવલીમાંથી વન્ય જીવ જંગલ ઉંદર સાથે ટોળકી ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.

Share :

Leave a Comments