- વડોદરા કોર્પોરેશનની હદમાં નવા વિસ્તારો અને ગામો જોડાતા ડ્રેનેજની સફાઈ કામગીરી વધતા મશીનો ઓછા પડે છે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 15મા નાણાપંચની વર્ષ 2021-22ની ગ્રાન્ટમાંથી ડ્રેનેજ સફાઈ માટે 2.36 કરોડના ખર્ચે 5 જેટિંગ મશીનની ખરીદી કરશે સ્ટેન્ડિંગ સમિતિએ આ ખરીદીને મંજૂરી આપી હતી. વડોદરા કોર્પોરેશનની હદમાં અગાઉ નવા વિસ્તારો તથા નવા વહીવટી વોર્ડોની રચના કરવામાં આવેલ છે. આ ઉપરાંત વુડા હસ્તકના 7 ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલ છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગાઉ વહીવટી 12-વોર્ડ હતા પરંતુ વહીવટી સરળતા ખાતર 19 ઇલેકશન વોર્ડ મુજબ કુલ 19-વહીવટી વોર્ડની રચના કરવામાં આવેલ છે. વડોદરામાં આમ પણ શહેરના તમામ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાની અને ગટરના મેનહોલ સફાઇ કરવાની માંગણી સતત થતી જ હોય છે, અને જેટિંગ મશીન નહીં મળવાના કારણે મુશ્કેલી સર્જાતી હોય છે. વળી, આ પ્રકારની સફાઈ કામગીરીમાં વધારો થવા પામેલ છે. ભવિષ્યમાં શહેરના વિકાસને અનુલક્ષીને હજુ પણ ડ્રેનેજ લાઇન અને ગટરના મેનહોલ સફાઇની કામગીરીમાં વધારો થવાની સંભાવના છે. શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજની મેઇન લાઇન ઉભરાવવાની તથા જાહેર માર્ગના કારણે ગટરના મલિનજળના ઉભરાવવાની વ્યાપક ફરીયાદો મળે છે. આના લીધે ગંદકી વધતા આરોગ્યના પ્રશ્નો પણ ઊભા થાય છે. માટે આ ફરીયાદોના ઝડપી નિકાલ અને નિરાકરણ કરવુ જરૂરી રહે છે. હાલમાં કોર્પોરેશનની માલિકીના 16 જેટીંગ મશીનો છે, અને તેના દ્વારા ડ્રેનેજ સફાઇની કામગીરી કરાવવામાં આવે છે. તાજેતરમાં નવા વિસ્તારોનો ઉમેરો થવાથી વધતી જતી ફરીયાદોના સંદર્ભે વધુ જેટીંગ મશીનોની જરૂરીયાત ઉભી થઈ છે. જે જોતાં નવા જેટીંગ મશીનોની ખરીદી માટે વર્ષ 2021-22 ની 15-માં નાણાં પંચની રૂ.240 લાખની ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવેલ છે. જેના આધારે 8000 લિટરની ટેન્કની કેપેસિટી ધરાવતા પાંચ નવા જેટીંગ મશીન 2.36 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવશે.