- આ અકસ્માતમાં બે ભાઈ, બંનેની પત્ની અને એક વર્ષના બાળકનું મોત થતાં સન્નાટો છવાઈ ગયો
- બંને ભાઇ ખાનગી કંપનીમાં એમ.આર. તરીકે નોકરી કરતા હતા, મયુર પટેલના લગ્ન અઢી મહેના પહેલાં જ થયા હતા
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નં.48 પર ગતમોડી રાત્રે અતિ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પટેલ પરિવારના એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત બાદ ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતમાં બે ભાઈ, બંનેની પત્ની અને એક વર્ષના બાળકનું મોત થતાં સન્નાટો છવાઈ ગયો છે. જોકે અકસ્માતમાં 4 વર્ષીય માસૂમ બાળકીનો આબાદ બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના આજવા રોડ સ્થિત સયાજીપુરા ગામ પાસે આવેલા સાગર ફિલ્મ સિટીની બાજુમાં આવેલા મધુનગરમાં રહેતા પ્રજ્ઞેશભાઈ પટેલ તેમના પત્ની, પુત્ર-પુત્રી અને તેમના નાના ભાઇ અને તેમના પત્નીનો પરિવાર તેમના મિત્ર દિલીપસિંહ પરમારના પરિવાર સાથે અલગ-અલગ કારમાં ગઈકાલે સવારે 9.00 વાગે ભરૂચ જિલ્લાના નિકોરા ગામ ખાતે આવેલા પ્રજ્ઞેશભાઈના ખેતરમાં પિકનિક માટે ગયો હતો. જ્યાંથી બંને ભાઈઓનો પરિવાર ગતમોડી રાત્રે 8.00 વાગે અલ્ટો કારમાં વડોદરા આવી રહ્યો હતો. આ દરમિયાન રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં જાંબુવા બ્રિજથી તરસાલી તરફ કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડની સાઇડ પર ઉભેલા હેવી લોડેડ કન્ટેનરની પાછળ ધડાકાભેર કાર ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો રાર્જાયા હતા. બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા તેઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. આ દરમિયાન અકસ્માતની ગંભીરતાને જોતા વડોદરા ફાયર બ્રિગેડને બનાવની જાણ કરવામાં આવી હતી. જેથી મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક સ્થળ ઉપર પહોંચી હતી, જ્યાં અલ્ટો કારમાં સવાર એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતા. જોકે આ તમામ મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. કારમાં સવાર 4 વર્ષની એક બાળકી અસ્મિતાનો આબાદ બચાવ થયો હતો. બંને ભાઈઓ સાથે રહેતા હતા, હાલ તો ઘર પાસે સન્નાટો જોવા મળી રહ્યો છે. કોઇ રડનાર નથી. એક સાથે પાંચ લોકોની અંતિમયાત્રા ઘર પાસેથી નિકળશે.આ અકસ્માતમાં પ્રજ્ઞેશભાઈ રાધેશ્યામભાઇ પટેલ (ઉં.વ. 34), ઉર્વશીબેન પ્રજ્ઞેશભાઇ પટેલ (ઉ.વ. 31), પુત્ર લવ પ્રજ્ઞેશભાઈ પટેલ (ઉ.વ.૧), મયુરભાઈ રાધેશ્યામભાઇ પટેલ (ઉ.વ. 30), ભૂમિકાબેન મયુરભાઈ પટેલ (ઉ.વ. 28)નો સમાવેશ થાય છે. આ ગંભીર અકસ્માતમાં 4 વર્ષીય બાળકી અસ્મિતા પ્રજ્ઞેશભાઈ પટેલનો આબાદ બચાવ થયો હતો.
મૃતકોના સંબંધી તૃપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં મારી ભત્રીજી, જમાઈ, જમાઇના નાનાભાઈ, તેમના પત્ની અને એક દીકરાનું મોત થયું છે. જ્યારે એક દીકરીનો બચાવ થયો છે. એ એમના વતનમાં ગયા હતા અને વતનમાંથી પરત ફરતી વખતે હાઇવે પર રસ્તામાં ટ્રેલર પડયું હતું, એટલે કાર ટ્રેલરમાં ઘૂસી ગઇ હતી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તમે જ્યાં જુઓ ત્યાં રોડ ઉપર આવા ટ્રેલર પડેલા જ હોય છે. આ ટ્રેલર અહીં ન ઉભી હોત તો આ બધા બચી જાત. ટ્રેલર ચાલક અને તેના માલિકની સામે કાર્યવાહી કરવી જોઇએ. ટ્રેલરનો ડ્રાઇવર અકસ્માત કરીને ફરાર થઈ ગયો છે. એક 4 વર્ષની બાળકી બચી ગઈ એનું શું? એના ભવિષ્યનું શું? એના મમ્મી-પપ્પા મૃત્યુ પામ્યા છે અને દાદા-દાદી પહેલેથી જ નથી.
તરસાલી બ્રિજ પાસે પ્રજ્ઞેશભાઈની અલ્ટો કાર આગળ ચાલી રહી હતી અને તેમના મિત્ર દિલીપસિંહ પરમારની કાર પાછળ ચાલી રહી હતી. આ સમયે અચાનક જ પ્રજ્ઞેશભાઈની કાર ટ્રેલરની પાછળ ઘૂસી જતા પરિવારના પાંચ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. પાછળ આવી રહેલા દિલીપસિંહના પરિવારે તુરંત જ કાર રોકી અકસ્માત સ્થળે પહોંચ્યા હતા.
મૃતક પ્રજ્ઞેશભાઈના મિત્ર અનીલભાઈ પરમારે જણાવ્યું હતું કે, મૃતક મયૂર અને પ્રજ્ઞેશ બંને મારા મિત્રો હતા. બંને ખાનગી કંપનીમાં એમ.આર. તરીકે નોકરી કરતા હતા. તેઓ નિકોરા ગામ ખાતે તેમના ખેતરમાં ગયા હતા અને વડોદરા પરત ફરી રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો હતો. મારા મિત્ર મયુરના લગ્ન તો હજુ 15 ડિસેમ્બરે જ થયા હતા. અમે સાથે ભણ્યા હતા અને સાથે નોકરીએ લાગ્યા હતા. આજે બંને મિત્રો ના રહેતા ખૂબ જ દુઃખ થાય છે.