- લૂંટારૂઓએ ચોરી કરેલી વાન સાથેની રીક્ષાના ફુટેજ પરથી ભેદ ખુલ્યો, રાહુલ અને સૂત્રધાર અજય મારવાડી રીક્ષા પલટાવી ભાગવા જતા પકડાઈ ગયા
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રૂ.11.75 લાખની લૂંટની ઘટના સામે આવી હતી. જેમાં ઉધોગપતિ પરિવારને બંધક બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ લૂંટની ઘટનાને ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલાની તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના ચુનિંદા જવાનો ઘટના બાદ સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા અને વિવિધ જગ્યાએ સર્ચ કરી આરોપીઓને ઝડપી પાડવા આકાશ પાતાળ એક કર્યુ હતું.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ધ્યાને આવ્યું કે, લૂંટ સમયે ઉપયોગમાં લીધેલી કાર હાઇવે પર બિનવારસી મળી આવી હતી. ઘટના સમયની સીસીટીવી ફૂટેજ જોતા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અજય મારવાડી (રહે. આજવા રોડ, વડોદરા) અને રિક્ષાચાલક રાહુલ સોલંકી (રહે. આજવા રોડ, એકતાનગર) શંકાના દાયરામાં આવ્યા હતા. તે બાદ બંનેની શોધખોળ કરવામાં આવી હતી. તેવામાં ખોડીયારનગર પાંજરાપોળ પાસેથી શંકાસ્પદ રિક્ષા જણાતા તેને ઉભો રાખવા ઇશારો કરવામાં આવ્યો હતો. પરંતુ ચાલકે રિક્ષા પલટાવીને દોડાવી મારી હતી. જો કે, ક્રાઇમ બ્રાન્ચને રિક્ષા રોકવામાં સફળતા મળી હતી. ટીમે રિક્ષામાંથી અજય મારવાડી (રહે. આજવા રોડ, વડોદરા) અને રિક્ષાચાલક રાહુલ સોલંકી (રહે. આજવા રોડ, એકતાનગર)ને દબોચી લીધા હતા.
પૂછપરછ અને તપાસમાં બંને પાસેથી છરી, ચાંદીના સિક્કાઓ અને મોબાઇલ મળી આવ્યા હતા. રિક્ષામાં તપાસ કરતા ડીસમીસ અને વાંદરી પાનું મળી આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે રિક્ષા અને મોબાઇલ અંગે કાગળીયા માંગતા તેઓ આપી શક્યા ન હતાં. ત્યારબાદ આકરી પૂછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા અને ટીપના આધારે રીઢા શિકલીગર સાથે મળીને કાર ચોરી કરીને લૂંટને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. તેમાં જશપાલસિંગ, મલિંદરસિંગ, અજયસિંગ અને આઝાદસિંગ જોડે જઇને લૂંટ ચલાવી હતી. તે પૈકી દાગીના શિકલીકર વેચવા માટે લઈ ગયો હતો.
લૂંટની ટીપ આપનારની તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચ ભૂપેન્દ્ર ઉર્ફે ભોલા પરમાર સુધી પહોંચી હતી. ભોલા લૂંટનો ભોગબનનારને ત્યાં કામ કરતો હતો. શેઠ જોડે દિવાળી બોનસ અંગે માથાકુટ થતા તેણે ટીપ આપી હતી. જો કે, લૂંટમાં મોટી રકમ ના મળવાના કારણે તેને કોઇ રૂપિયા આપવામાં આવ્યા ન હતા. આ આખીય લૂંટની ટીપ આપવામાં મોટી રકમ મળે તેવી લાલચ આપવામાં આવી હતી. જો કે, જે લૂંટારૂઓએ વિચાર્યું તેવું કંઇ થઇ શક્યું ન હતું.
આ મામલે અજય રમેશભાઇ મારવાડી (રહે. એકતાનગર ઝુપડપટ્ટી, આજવા રોડ, વડોદરા), રાહુલ પરશોત્તમ સોલંકી (રહે. આજવા રોડ, એકતાનગર), હિતેષ તડ઼વી (રહે. કિશનવાડી, વડોદરા), આકાશ કહાર (રહે. કિશનવાડી, વડોદરા) અને ભૂપેન્દ્ર દેવજીભાઇ પરમાર (રહે. કિશનવાડી, વડોદરા)ની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કુલ રૂ. 2.40 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. ઉપરોક્ત પૈકી અજય મારવાડી સામે લૂંટ, ઘરફોડ, ચોરી, અપહરણ, દુષ્કર્મનો પ્રયાસ, નકલી પોલીસ જેવા 6 ગુનાઓ નોંધાયા છે.