- કારેલીબાગ પોલીસ દ્વારા મારામારીના ગુનામાં ટ્રાન્સફર વોરંટથી આરોપીઓનો કબજો મેળવી તપાસ કરાશે, અગાઉ ત્રણ આરોપીને જેલમાં મોકલાયા હતાં
શહેરની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ઝડપાયેલા પ્રથમ પાંચ આરોપીના આજે રિમાન્ડ પૂરા થતાં ઉઘડતી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કારેલીબાગ પોલીસ દ્વારા મારામારીના ગુનામાં ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી તપાસ કરશે.
શહેરના નાગરવાડા મહેતાવાડીમા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશભાઇ પરમાર (રાજા)ના પુત્ર તપન પરમારને સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે બાબર હબીબખાન પઠાણ (ઉં.વ.32 રહે, નાગરવાડા સરકારી શાળા નં.10 પાસે કારેલીબાગ વડોદરા, બન્ને ગુનામાં), વસીમ નુરમહમદ મન્સુરી (ઉં.વ.38 રહે. હાથીખાના મહાવત ફળીયુ વડોદરા, બન્ને ગુનામાં), શકીલહુસેન એહમદભાઇ શેખ (ઉં.વ.30 રહે. નાગરવાડા નવરંગ મહોલ્લો વડોદરા), એજાજહુસેન એહમદભાઇ શેખ (ઉ.વ.34 રહે.નાગરવાડા નવરંગ મહોલ્લો વડોદરા, બન્ને ગુનામાં) અને શબનમ W/O વસીમ નુરમહંમદ મન્સુરી (ઉં.વ.33 રહે. હાથીખાના મહાવત ફળીયુ વડોદરા શહેર)ની ધરપકડ કરી હતી. તેઓના 4 દિવસના રિમાન્ડ મેળવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલું ચાકૂ, કપડાં સહિતના પુરાવાઓ એકત્ર કર્યા હતા. આજે તમામ 5 આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ ગુનાની વધુ તપાસ માટે વધુ રિમાન્ડની માંગણી કરી ન હતી. જોકે, કોર્ટે સુત્રધાર બાબર પઠાણ સહિત 5 આરોપીને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. આ તમામ આરોપીઓને કારેલીબાગ પોલીસ મારામારીના ગુનામાં ધરપકડ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ ગુનાના ત્રણ આરોપીઓ સલમાન ઉર્ફે સોનુ હબીબખાન પઠાણ, મહેબુબ હબીબખાન પઠાણ, વસીમ મન્સૂરીની ધરપકડ કરી હતી. ગુરૂવારે ત્રણેના દોઢ દિવસના રિમાન્ડ પૂરાં થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેયને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું કે, તપન પરમાર હત્યા કેસમાં અગાઉ ઝડપાયેલા બાબર પઠાણ સહિત 5 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ તા. 22ના રોજ પૂર્ણ થતાં હોવાથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બાબર પઠાણ સહિત તમામ 5 આરોપીના વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હતી. આથી કોર્ટે તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.