- વાસણા-ભાયલી રોડ પર રહેતી મહિલાનું પિતાના બેંક ખાતા સાથે જોઈન્ટ ખાતું હતું, જેમાં પિતાનો આપેલો મોબાઇલ નંબર વર્ષો પહેલાં બંધ થઇ ગયો હતો
- મહિલાએ લીધેલી લોનના હપ્તાના ચેક બાઉન્સ થતા ફ્રોડ થયાની જાણ થઇ
વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર રહેતા અને હાઉસવાઈફ તરીકે ઘરકામ કરતી મહિલાનું તેમના પિતાના બેંક ખાતા સાથે જોઈન્ટ ખાતું હતું. જેમાં મહિલાના પિતાના નંબર આપેલા હતા, જે નંબર બંધ થઈ ગયા હતા. જોકે બાદમાં મહિલાએ લોન લેતા તેના હપ્તાના ચેક બાઉન્સ થતા હતા. જોકે, બેંકમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, સાયબર ઠગોએ UPI ટ્રાન્જેક્શનથી ટૂકડે ટૂકડે મહિલાના ખાતામાંથી 5,11,000 રૂપિયા ઉપાડી લીધા હતા. જેને પગલે મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જો તમારા બેંક ખાતામાં આપેલા મોબાઇલ નંબર તમે બંધ કરાવો તો તુરંત નવો મોબાઈલ નંબર બેંકમાં આપી અપડેટ કરાવી દેજો. નહીંતર સાયબર ઠગો UPI ટ્રાન્જેક્શનથી તમારૂ ખાતું ખાલી કરી દેશે. આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર રહેતા અને હાઉસવાઈફ તરીકે ઘરકામ કરતી મહિલા માધુરી મિતેશ ઠક્કરે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, મારે અને મારા પિતાનું બેંકમાં ખાતું ખોલાવેલું છે અને તે જોઈન્ટ ખાતું છે. આ ખાતું હું જ્યારે 18 વર્ષથી નાની હતી ત્યારનું છે અને તે ખાતું મારા પિતા ઉપયોગ કરતા હતા. બાદમાં મારી ઉંમર થતાં આ ખાતાનો ઉપયોગ શરૂ કર્યો હતો. બાદમાં જરૂરિયાત મુજબ બજાજ ફાયનાન્સમાં રેફરિજરેટ માટે બેન્ક ખાતાનો નંબર આપ્યો હતો અને લોનના હપ્તા શરૂ થયા હતા. પરંતુ પ્રથમ હપ્તો બાઉન્સ ગયો હતો. કેમ કે, બેન્ક એકાઉન્ટ ખૂબ જૂનું હોવાથી ખાતું બંધ થઈ ગયું હતું. જેથી ફરી શરૂ કરાવ્યું હતું. પરંતુ ફરી આજ ખાતામાં 04/11/23ના રોજ મેં લીધેલ આ લોનનો હપ્તો ફરી બાઉન્સ જતા મારા પિતા અને મારા પતિ બેંકની બ્રાંચમાં તપાસ કરવા ગયા હતા. આ બેંકની બ્રાંચમાંથી ખબર પડી કે, અમારા ખાતામાંથી અલગ-અલગ તારીખોમાં UPI ટ્રાન્જેક્શન કરી રૂપિયા ઉપડી ગયા છે. આ UPI ટ્રાન્જેક્શન થકી ટૂકડે ટૂકડે 5,11,000 રૂપિયા ઉપડી ગયા હતા.
વધુમાં જાણવા મળ્યું કે, બેન્ક ખાતામાં આપેલ મોબાઈલ નંબર વર્ષો પહેલા બંધ થઈ ગયો હતો. જે આ ખાતા સાથે લિંક હતો. આ ખાતા સાથે કોઈ UPI આઈડી પણ શરૂ કરાવેલ નહોતી. બાદમાં બેન્ક કર્મીએ જણાવ્યું કે, કોઈ છોકરી તમારી દીકરી હોવાની ઓળખ આપી એટીએમ કાર્ડ માટે માગણી કરી હતી. તે છોકરીએ તમારા નામથી નવું એટીએમ કાર્ડ લેવા માટે એન્ટ્રી કરી હતી. પરંતુ બેંકના કર્મચારીએ એટીએમ કાર્ડ આપ્યું નહોતું.
ફરિયાદીને બાદમાં ખબર પડી કે, મારી સાથે આવો ફ્રોડ થયો છે. ત્યારે તાત્કાલિક સાબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 ઉપર સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી. પરંતુ પૈસા પરત મળ્યા નહોતા. બેંકમાં પોતાનું ખાતું ન હોવાનુ આરોપી જાણતો હોવા છતાં મારા બેંકના ખાતાનો બનાવટી દસ્તાવેજોની મદદથી મારી ખોટી ઓળખ ઉભી કરી ગેરકાયદેસર રીતે એક્સેસ મેળવી જુદી જુદી તારીખોમાં 16 કરતા વધુ ટ્રાન્જેક્શન કરી લઈ કુલ રૂપિયા 5,11,000 ઉપાડી લેતા આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.