વડોદરામાં પાણી, ડ્રેનેજ અને તળાવની સુવિધાના 645 કરોડના 48 કામો સભામાં મંજૂરી માટે મુકાયા

આજે સાંજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમગ્ર સભા મળશે

MailVadodara.com - 48-works-worth-645-crores-of-water-drainage-and-lake-facilities-in-Vadodara-were-put-up-for-approval-in-the-assembly

- કેન્દ્ર સરકાર દ્વારા અમૃત-2 યોજના હેઠળ મળનારી ગ્રાન્ટમાંથી આ કામો કરાશે

કેન્દ્ર સરકાર દ્વારા અમૃત-2 યોજના હેઠળ જે ગ્રાન્ટ આપશે, તેમાંથી પાણી, ડ્રેનેજ, તળાવ વગેરેના જુદા જુદા 645 કરોડના 48 કામ વડોદરા કોર્પોરેશનની સમગ્ર સભામાં મંજૂરી માટે મૂકવામાં આવ્યા છે. આજે સાંજે કોર્પોરેશનમાં સમગ્ર સભા મળવાની છે. જે સહાય મળશે તેમાં કેન્દ્ર સરકારનો ફાળો 25%, રાજ્ય સરકારનો 40% અને કોર્પોરેશનનો ફાળો 35% અંદાજની રકમ ઉપર રાખવામાં આવેલ છે. ખર્ચમાં વધારાના રકમ કોર્પોરેશનને પોતાના સ્વભંડોળમાંથી વાપરવાની રહેશે. આ યોજના હેઠળ દેશના 500 અમૃત શહેરોમાં ગટર તેમજ પાણીના 100 ટકા કામો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

સિટી વોટર એક્શન પ્લાન-1 હેઠળ 294 કરોડ અને સીટી વોટર એક્શન પ્લાન-2 હેઠળ 460 કરોડના કામોને મંજૂરી મળેલી છે, જ્યારે સીટી વોટર એકસન પ્લાન-3 હેઠળ 645 કરોડના કામો સરકારમાં મંજૂરી હેઠળ રજૂ કરેલા છે. 30 ટકા રિસાયકલ વોટરના વપરાશને પણ પ્રાધાન્ય આપેલ છે. જે માટે છાણી ખાતે 42 એમએલડી ક્ષમતાનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી જુદી જુદી કંપનીઓને રી યુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવાના પ્રોજેક્ટનો સમાવેશ કરેલ છે. સીટી વોટર એક્શન પ્લાન 1 થી 3 માં ડ્રેનેજના જુદા જુદા કામોનો સમાવેશ કર્યો છે. તેમાં ઊંડેરા ખાતે 21 એમએલડી ક્ષમતાનો નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો પણ સમાવેશ કરાયો છે. 

પાણી પુરવઠાના પણ કામોમાં ઉંડેરા, ભાયલી, સેવાસી, બીલ, વડદલા, બાપોદ, ન્યુ જાંબુડીયા પુરા ખાતે ઉંચી ટાંકી, અંડરગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવશે. ઉંડેરા અને શેરખીમાં નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ વડોદરાની હદમાં જોડાયેલા ગામોમાં સુવરેજ સિસ્ટમ ઊભી કરવાની સાથે તરસાલીમાં નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરેનો સમાવેશ થાય છે. રાયકા ફ્રેન્ચ વેલ પાસે ઇન્ટેકવેલ, 75 એમએલડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગાજરાવાડીમાં 130 એમએલડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નિમેટામાં 75 એમએલડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટ્રી ટેડ વેસ્ટ વોટર સપ્લાય, રામનાથ, કપુરાઈ, ભાયલી તળાવનું નવીનીકરણ વગેરે સહિતના 48 કામ મૂકવામાં આવ્યા છે.

Share :

Leave a Comments