ભારે વરસાદથી નુકસાન પામેલા વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના 48 રસ્તા રીપેરીંગ બાદ પુનઃ શરૂ

વડોદરા જિલ્લામાં વરસાદને કારણે કુલ 54 માર્ગોને નુકસાન થયું હતું

MailVadodara.com - 48-roads-in-rural-areas-of-Vadodara-district-damaged-by-heavy-rains-resume-after-repairing

- કરજણ તાલુકામાં 3, પાદરા અને વાઘોડિયામાં 1-1માર્ગ પાણી ભરાવવાના અને કોઝ-વે પર ઓવરટેપિંગના કારણે બંધ, પાણી ઓસર્યા બાદ શરૂ થશે


વડોદરા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગ મકાન રાજ્ય અને પંચાયત હસ્તકના રસ્તાઓને નુકસાન થતા રિપેરીંગ, રી-સરફેસીંગ અને મેટલવર્ક કરવાની કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં વરસાદને કારણે કુલ 54 માર્ગોને નુકસાન થયું હતું. માર્ગ મકાન વિભાગ દ્વારા આ માર્ગોને શરૂ કરવા કામગીરી કરવામાં આવી હતી. જે પૈકી કુલ 48 માર્ગો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે.


માર્ગ મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરએ જણાવ્યું હતું કે જિલ્લામાં પંચાયત હસ્તકના 46 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. પૂરના પાણી ઓસરતાં વિભાગ દ્વારા 41 રસ્તાઓનું રીપેરીંગ કરીને પૂર્વવત કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલમાં કરજણ તાલુકામાં ત્રણ, પાદરા અને વાઘોડિયામાં એક એક માર્ગ પાણી ભરાવ અને કોઝ-વે પર ઓવરટેપિંગના કારણે બંધ છે. જે પાણી ઓસર્યા બાદ શરૂ થશે. 41 રસ્તાઓનું સમારકામ માટે અંદાજિત 1250 ક્યુ. મીટર વેટમિક્ષ/રબલના જથ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડબકા માર્ગ પર પાણી ભરાતા પાણીના નિકાલ માટે પાઈપ નાખી અવરજવર માટે ખુલ્લો કર્યો છે. ડબકા-ચોકારી માર્ગ પર ધોવાણ થતાં રબલ નાખી વાહન વ્યવહાર માટે સમારકામ કરવામાં આવી રહ્યું છે. મજાતન કહાનવા રોડ પર મેટલીંગ, મુજપુર-એકલબારા માર્ગ અને ડભાસા-એકલબારા રોડ પર રબલથી મેટલીંગ તેમજ પાટોડ-ઝવેરીપુરા રોડ પર પેચવર્ક કરી રસ્તાઓ પૂર્વવત કરાયા છે. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેરએ કહ્યુ હતું કે જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના 8 રસ્તાઓને અસર થઈ હતી, જેમાંથી 7 ચાલુ કરી દેવામાં આવ્યા છે. હાલમાં કરજણ તાલુકાના શાનપૂર-સોખડા માર્ગ કોઝ-વે પર ઓવરટેપિંગના કારણે બંધ છે.

Share :

Leave a Comments