વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગમાં કરાર આધારિત 476 વર્કર હાજર થયા

78 ઉમેદવાર હાજર ન થતાં વેઇટિંગ લિસ્ટમાંથી પસંદગી કરાશે

MailVadodara.com - 476-contractual-workers-appeared-in-Vadodara-Corporation-Health-Department

- હવે 78 ઉમેદવારની પસંદગી માટે સેકન્ડ લિસ્ટ હવે બહાર પડાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત કુલ 554 વર્કરની ભરતી માટે કરવામાં આવેલી પ્રક્રિયા બાદ પસંદગી પામેલા ઉમેદવારોને તારીખ 20 સુધીમાં હાજર થવાની સૂચના આપવામાં આવી હતી. જેમાંથી 78 ઉમેદવાર હાજર થયા નથી. આ અગાઉ ઉમેદવારોની પ્રથમ પસંદગી યાદી તથા તેઓના નિમણૂકના હુકમ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મૂકી દેવામાં આવ્યા હતા અને પસંદગી પામેલા ઉમેદવારોને પોતાના નિમણૂંકના હુકમ જાતે ડાઉનલોડ કરી તારીખ 12 થી 20 એપ્રિલ સુધીમાં તેઓને યાદીમાં ફાળવવામાં આવેલા જે તે ઝોનની કચેરી ખાતે બાયોલોજીસ્ટ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. જે 554 વર્કરની ભરતી કરવામાં આવી હતી, તેમાંથી 106 પબ્લિક હેલ્થ વર્કર છે, જ્યારે 448 પુરુષ ફિલ્ડ વર્કર છે. 106 પબ્લિક હેલ્થ વર્કરમાંથી 17 ઉમેદવાર હાજર થયા નથી જ્યારે 448 ફિલ્ડ વર્કરમાંથી 61 ઉમેદવાર આવ્યા નથી, એટલે કે કુલ 78 ઉમેદવાર હાજર થયા નથી. 

અગાઉ કોર્પોરેશનએ એવી સૂચના આપી હતી કે, જો તારીખ 20 એપ્રિલ સુધીમાં કોઈ ઉમેદવાર હાજર ન થાય તો પસંદગી યાદીમાંથી તેનું નામ રદ કરી વેઇટિંગ લિસ્ટમાંથી અન્યની જે તે જગ્યાએ નિમણૂક આપવામાં આવશે. હવે 78 ઉમેદવારની પસંદગી માટે સેકન્ડ લિસ્ટ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. કુલ 554માંથી 476 હાજર થયા છે અને તેઓએ કામગીરી શરૂ કરી દીધી છે તેમ જાણવા મળ્યું છે. 

કોર્પોરેશન દ્વારા અગાઉ 554 વર્કરની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવી હતી ત્યારે કુલ 12,804 અરજીઓ મળી હતી. જેમાંથી 6089 અરજી માન્ય રહી હતી. 800 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ લાયકાત વગેરેને ધ્યાનમાં રાખીને મેરીટ લીસ્ટ તૈયાર કરીને પસંદગી યાદી બનાવી હતી. જે હેલ્થ વર્કરો ફરજ પર લેવામાં આવ્યા છે, તેઓ દ્વારા વાહક જન્ય અને પાણીજન્ય રોગ નિયંત્રણની કામગીરી કરવામાં આવશે.

Share :

Leave a Comments