વિદેશથી પરત ફરેલા નિવૃત્ત પ્રોફેસરના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂા.47 લાખ ઉપડી ગયા

પ્રો.એન.કે.પટેલ પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે ગયો ત્યારે બનાવની જાણ થઇ

MailVadodara.com - 47-lakhs-were-withdrawn-from-the-Bank-of-Baroda-account-of-a-retired-professor-who-had-returned-from-abroad

- નિવૃત્ત પ્રોફેસરના નામે સિમકાર્ડ કઢાવી ઓનલાઇન ટ્રાન્ઝેક્શનો કર્યા હોવાની આશંકા

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની પોલીટેકનિક કોલેજના નિવૃત્ત પ્રોફેસર વિદેશ ગયા હતા તે દરમિયાન તેમના બેન્ક ઓફ બરોડાના ખાતામાંથી કોઇ ઠગે રૂપિયા ૪૭ લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાનો બનાવ બનતાં તેમણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં આવેલી રાજનગર સોસાયટીમાં રહેતા પ્રો.એન.કે.પટેલે પોલીસને જણાવ્યું છે કે, સપ્ટેમ્બર-૨૦૧૮માં હું વિદેશ ગયો હતો અને ત્યાં કોવિડ તેમજ સામાજિક કારણસર રોકાઇ ગયો હતો. મારી સાથે મોબાઇલનું સિમકાર્ડ પણ લઇ ગયો હતો. ત્યારબાદ ગત તા.૩૦મી માર્ચે હું પરત ફર્યો હતો અને તા.૫મી એપ્રિલે ફતેગંજ ખાતેની બેન્ક ઓફ બરોડામાં પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે ગયો ત્યારે જાણ થઇ હતી કે જૂન-૨૦૨૨ બાદ મારા એકાઉન્ટમાં ૬૫ જેટલા ટ્રાન્ઝેક્શનો થયા હતા અને તેમાંથી કુલ રૂપિયા ૪૭.૧૦ લાખ જેટલી રકમ કોઇએ ટ્રાન્સફર કરી લીધી છે. અજાણ્યા શખ્સે એકાઉન્ટ હેક કરીને ટ્રાન્ઝેક્શનો કરીને રકમ વગે કરી લીધી હોવાથી સાયબર સેલને જાણ કરી હતી. સાયબર સેલે આ અંગે ગુનો નોંધી બેન્ક ઓફ બરોડા પાસેથી વધુ વિગતો માંગી છે.

ઉલ્લેખનીય છે કે, નિવૃત્ત પ્રોફેસર એન. કે. પટેલ દ્વારા બેન્ક ઓફ બરોડાના એકાઉન્ટનો ક્યારેય ઓનલાઇન ઉપયોગ કરાયો ન હતો છતાં તેમના નામે સિમકાર્ડ કાઢીને ઠગાઇ કરવામાં આવી હતી. 

પ્રો.પટેલે પોલીસને કહ્યું છે કે, હું ચાર વર્ષ પહેલાં વિદેશ ગયો ત્યારે સિમકાર્ડ સાથે લઇ ગયો હતો. ત્યારબાદ સિમકાર્ડ બંધ થઇ ગયું હતું અને વોટ્સએપ પણ બંધ થયું હતું. મેં ક્યારેય બેન્ક ખાતાની ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યા નથી કે તેની એપ પણ ડાઉનલોડ કરી નથી. જેથી ઠગે તેમના નામનું બોગસ સિમ કઢાવ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે.

Share :

Leave a Comments