- ૩ લાખથી વધુ અસરગ્રસ્તોને કેશ ડોલ્સ પેટે સહાય પૂરી પાડવામાં આવી
વડોદરા શહેર જિલ્લામાં ઓગસ્ટ માસમાં ભારે વરસાદ અને પૂરના કારણે થયેલ નુકશાની અંગે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને કેશ ડોલ્સ, ઘરવખરી અને નાના-મોટા વાણિજ્ય એકમો સહિત કુલ રૂ.70.73 કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું જિલ્લા કલેકટર બીજલ શાહે જણાવ્યું છે.
વડોદરા શહેરના 3,38,844 અને ગ્રામ્યના 25,324 સહિત કુલ 3,64,168 પૂર અસરગ્રસ્તોને કેશ ડોલ્સ પેટે રૂ. 8.84 કરોડ એવી જ રીતે શહેરના 65,520 અને ગ્રામ્યના 9,885 સહિત કુલ 75,405 કુટુંબોને ઘરવખરી સહાય પેટે રૂ.37.70 કરોડની સહાય તેમના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવી છે.
વડોદરાના પૂરગસ્ત વેપારીઓને નાણાંકીય મદદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા ખાસ રાહત પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે બાદ અત્યાર સુધીમાં કુલ 12,341 જેટલા નાના-મોટા વાણિજય એકમોને રૂ.24.19 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ સહાયમાં શહેરમાં નાની લારી અથવા રેંકડી ધરાવતા, નાની સ્થાયી કેબિન, મોટી કેબીન ધરાવતા વેપારીઓનો પણ સર્વે કરીને રાહત પેકેજનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીઓને પણ રાહત પેકેજ અંતર્ગત સહાય કરવામાં આવી હોવાનું કલેકટરે ઉમેર્યું હતું.