પાંજરીગર મહોલ્લા અને કુંભારવાડામાં થયેલા તોફાનોમાં 45 તોફાનીઓની ધરપકડ, 500ના ટોળા સામે ફરિયાદ

નમાજ સમયે કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

MailVadodara.com - 45-rioters-arrested-in-riots-in-Panjrigar-Maholla-and-Kumbharwada-complaint-filed-against-mob-of-500

- શહેરની શાંતિમાં પલિતો ચાંપનાર તોફાનીઓની ધરપકડનો દોર હજુ પણ ચાલુ, CCTV ફૂટેજ અને સર્વેલન્સ ટીમની મદદથી તોફાનીઓને ઘરમાં જઇ જઇને દબોચ્યા

- કોમ્બિંગ દરમિયાન 22 તોફાનીઓની અટકાયત કરાઇ હતી, તેઓની પૂછપરછમાં વધુ 23 તોફાનીઓના નામો ખૂલતા તેઓની પણ અટકાયત કરી લેવાઇ


હેરમાં રામનવમીના દિવસે ફતેપુરા ચાર રસ્તા વિસ્તારમાં આવેલા પાંજરીગર મહોલ્લો અને કુંભારવાડામાં રામજીની શોભાયાત્રામાં થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસ દ્વારા 45 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 500ના ટોળા સામે સીટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. રામનવમીના દિવસે થયેલા તોફાનોને પગલે ભૂતડીઝાંપા પાસે ભરાતું શુક્રવારી બજાર ભરાવા દેવામાં આવ્યું ન હતું. આજે પણ ફતેપુરા ચાર રસ્તા વિસ્તારમાં અંજપાભરી શાંતિ જોવા મળી હતી. જોકે, કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

એડીશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરના ફતેપુરા વિસ્તારમાં રામનવમીના દિવસે થયેલા તોફાનોને પગલે રાજ્યના ડી.જી.પી., શહેર પોલીસ કમિશનર અને રાજ્ય સરકાર દ્વારા તોફાનીઓ સામે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. જેથી ભવિષ્યમાં તોફાનીઓ તોફાન કરતા વિચાર કરે.


ગુરૂવારે થયેલા તોફાનો બાદ તોફાની વિસ્તારોમાં પોલીસના કાફલા સાથે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોમ્બિંગ દરમિયાન 22 તોફાનીઓની અટકાયત કરી લેવામાં આવી હતી. તેઓની પૂછપરછમાં વધુ 23 તોફાનીઓના નામો ખૂલતા તેઓની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. આ તમામ આરોપીઓનો સરકારની ગાઇડલાઇન મુજબ કોરોના ટેસ્ટની કાર્યવાહી ચાલુ છે. આ તમામ 45 આરોપીઓ સહિત 500ના ટોળા સામે સીટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમામ આરોપીઓને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન વધુ તોફાનીઓના નામો ખૂલશે. નામો ખૂલતાની સાથે જ તોફાનીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ઝડપાયેલા તમામ આરોપીઓને CCTV ફૂટેજ અને મોબાઇલ સર્વેલન્સ ટીમની મદદથી ઝડપી પાડવામાં આવ્યા હતા. હજુ પણ પોલીસની વિવિધ ટીમો દ્વારા તોફાનીઓની ધરપકડનો દોર ચાલુ છે.


એડીશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાએ વધુમાં જણાવ્યું હતું કે, મુસ્લીમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. આજે શુક્રવાર નમાજ માટેનો પાવન દિવસ કહેવાય છે, ત્યારે નમાજ સમયે કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને પાણીગેટ, યાકુતપુરા, ફતેપુરા, વાડી સહિતના સંવેદનશિલ વિસ્તારોમાં આવેલી મસ્જીદો ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Share :

Leave a Comments