- ઉક્ત ગામોમાં વ્યક્તિદીઠ દૈનિક 100 લિટર પાણી આપવામાં આવશે
ઉનાળામાં કોપાયમાન થઇ વરસતા તાપમાં વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલા 44 ગામ માટે રાજ્ય સરકાર દ્વારા 34.38 કરોડના ખર્ચથી તૈયાર થઇ રહેલી પાણી પુરવઠા યોજના પૂર્ણ થઈ છે. હવે માત્ર ગણતરીના દિવસોમાં આ ગામોમાં ઘરના નળમાં મા નર્મદાનું પાણી આવતું થઇ જશે. પાણી પુરવઠા બોર્ડનાં કાર્યપાલક ઇજનેર ગિરીશ અગોલાએ કહ્યું કે, ડભોઇ તાલુકામાં કુલ 118 ગામો અને 30 વસાહતોનો સમાવેશ થાય છે. આ ગામોની 2011ની સ્થિતિએ વસ્તી 12,9278 નાગરિકોની છે અને તેમાં અનુસૂચિત જનજાતિની વસ્તી 61,182 છે.
ડભોઇ તાલુકામાં ભૂગર્ભ સ્ત્રોત સમયાંતરે ગુણવત્તા પ્રશ્નો ધ્યાને લઇ સૌપ્રથમ ડભોઇ તાલુકાનાં કુલ 118 ગામો અને 30 નર્મદા વસાહતો પૈકી ઉત્તર ભાગનાં 74 ગામો અને 14 વસાહતો માટે નર્મદા મુખ્ય કેનાલની 81.81 મી.ની ચેઇનેઝ પરથી નીકળતી વડોદરા બ્રાન્ચ કેનાલ આધારીત યોજનાની કામગીરી વર્ષ 2020માં પૂર્ણ કરી સમાવિષ્ટ ગામોમાં નર્મદાનું પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવ્યું હતું. ત્યારબાદ દક્ષિણ વિભાગના બાકી રહેલા 44 ગામ, 10 પરાં અને 15 નર્મદા વસાહતની 50,465 વસ્તીને માતા નર્મદાનું પાણી આપવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડભોઈ જુથ પાણી પુરવઠા યોજના (ભાગ-2) અંતર્ગત બનાવવામાં આવેલ વેગા હેડવર્ક્સના આર.સી.સી. ભૂગર્ભ ટાંકા મારફતે આ યોજના હેઠળના વિવિધ હેડવર્ક્સ ખાતે શુદ્ધીકરણ કરવામાં આવેલ પાણી પહોંચાડવામાં આવનાર છે.
ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈ ડભોઈ તાલુકાના દક્ષિણ વિભાગના વિસ્તારને વિવિધ 5 ઝોનમાં વિભાજીત કરી ઉક્ત ગામોમાં વ્યક્તિદીઠ દૈનિક 100 લિટર પાણી આપવામાં આવશે. ડભોઈ જુથ યોજના (ભાગ-3)ના વિવિધ 5 ઝોનના હેડવર્કસ ખાતે ચોખ્ખા પાણીના સંગ્રહ માટે 1.90 લાખ લિટરથી 10.50 લાખ લિટરની સંગ્રહ ક્ષમતાના કુલ પાંચ આર.સી.સી. ભુગર્ભ ટાંકા બનાવવામાં આવ્યા છે. જેની કુલ ક્ષમતા 34.30 લાખ લિટર થાય છે.
પાણી વિતરણ પૂરતા દબાણથી થાય એ માટે પાંચ ઓવર હેડ ટેન્ક બનાવવામાં આવ્યા છે. તેની કુલ સંગ્રહ ક્ષમતા 15.50 લાખ લિટર છે. ડભોઈ જુથ યોજના હેઠળ 100 મી.મી.થી 300 મી.મી. વ્યાસની કુલ 58.26 કિલોમિટર લાંબી પાઇપલાઇન બિછાવવામાં આવી છે. તેમાં કુલ 142.80 કિ.મી. જેટલી પીવીસી વિતરણ પાઈપલાઈનનું નેટવર્કની ગોઠવવામાં આવ્યું છે. ગ્રામ્ય કક્ષાએ પાણીના સંગ્રહ માટે ગામની વસ્તીના ધોરણે વિવિધ ક્ષમતા મુજબના 69 ભુગર્ભ ટાંકાઓમાં ફિલ્ટર પાણી પુરવઠો પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે. ગ્રામ્ય કક્ષાએ બાંધકામ કરવામાં આવનાર ભુગર્ભ ટાંકાઓમાં ક્ષમતા મુજબની પમ્પિંગ મશીનરી ગોઠવીને ફીલ્ટર થયેલ પાણી પુરવઠો ગામની હયાત ઉંચી ટાંકીમાં ભરવા માટે કનેકટીવિટી કરી પાણી આપવામાં આવનાર છે.