- ઇસ્કોન મંદિરથી બપોરે 1.30 વાગે ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામજી તથા બહેન સુભદ્રાજી નગરચર્યા માટે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા, 32થી 35 ટન શીરાના પ્રસાદનું આયોજન કરાયું
- રથયાત્રાની પાછળ પડેલો કચરો સાફ કરી વિદ્યાર્થીઓએ સ્વચ્છતાનો મેસેજ આપ્યો
વડોદરા શહેરમાં `જય જગન્નાથ' અને `હરે રામા હરે ક્રિષ્ના'ના ગગનભેદી જયઘોષ સાથે આજે ભગવાન જગન્નાથની 42મી રથયાત્રા નીકળી છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા છે. વડોદરા શહેરના માર્ગો પર રથયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથની રથયાત્રાની પાછળ પડેલા કચરાને સાફ કરવાની જવાબદારી સ્ટુડન્ટ ફોર સેવાના 100 કાર્યકરોએ ઉપાડી લીધી છે અને સ્વચ્છતાનો મેસેજ આપ્યો છે.
આજે વિક્રમ સંવત 2079ને અષાઢ સુદ બીજના રોજ ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામજી તથા બહેન સુભદ્રાજી સાથે આજે સવારે ઇસ્કોન મંદિર ખાતે દર્શન ખુલ્લા મૂકાયા હતા અને સવારે આરતી બાદ બપોરે 1.30 વાગ્યાની આસપાસ ઇસ્કોન મંદિરથી ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામજી તથા બહેન સુભદ્રાજી સાથે રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ બપોરે 3.15 વાગ્યે મેયર નિલેશ રાઠોડે પહિંદવિધિ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે ભક્તોએ જય જગન્નાથ, હરે રામ હરે નાદ સાથે ભગવાનને વધાવી લીધા તથા દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં શ્રૃંગાર દર્શન, આરતી, બપોરે રાજભોગ અને આરતી પછી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની કાષ્ઠની મૂર્તિઓ વિધિવત રીતે રથયાત્રા માટે રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી. આ મૂર્તિઓને રથમાં આરૂઢ કરાવી શ્રૃંગાર અને આરતી બાદ બપોરે 3 કલાકે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો છે. રથયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. જગન્નાથજી શહેરના રાજમાર્ગો પર ફરી સાંજે મંદિર ખાતે પરત ફરશે.
ઇસ્કોન મંદિર દ્વારા 32થી 35 ટન શીરાના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રથની પાછળ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રામાં વિદેશી ભક્તોએ આકર્ષણ જમાવ્યું છે. ઇસ્કોન મંદિર ખાતે સાંજે 5.30 વાગ્યાથી ભક્તો આવશે ત્યાં સુધી ભગવાન જગન્નાથના ભક્તો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાનો રૂટ વડોદરા શહેરના ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી રથયાત્રા રેલ્વે સ્ટેશનથી બપોરે 3.15 વાગ્યે વાગ્યે નીકળી હતી અને એમ. એસ. યુનિવર્સિટી રોડ, કાલાઘોડા સર્કલ, પંચમુખી હનુમાન મંદિર, કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, અમદાવાદી પોળ, ગાંધીનગર ગૃહ, પ્રતાપ સિનેમા, સુરસાગર તળાવ, લાલકોર્ટ, વીર ભગતસિંહ ચોક, મદનઝાંપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી, આઝાદ મેદાન, જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા, બગીખાના ચાર રસ્તા થઇને બરોડા હાઇસ્કૂલ ખાતે પૂર્ણ થશે.
ભગવાથ જગન્નાથની રથયાત્રામાં બંદોબસ્તમાં પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંધ અને અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ DCP કક્ષાના 7 અધિકારી, DYSP કક્ષાના 15 અધિકારી, PI કક્ષાના 54 અધિકારી તેમજ PSI કક્ષાના 119 અધિકારી તથા 1195 પોલીસ કર્મચારીઓ તથા 500 હોમગાર્ડ તેમજ SRPની 3 કંપની તેમજ સ્થાનિક DCB, PCB, SOGની ટીમ તથા મહિલા શી-ટીમની સ્કોડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યસ્થા માટે 350 ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારીઓ અને 300 TRBના જવાનો ટ્રાફિક બંદોબસ્ત તૈનાત છે. આ ઉપરાંત 3 PI, 1 PSI અને 25 પોલીસ કર્મચારીઓ તથા 1- પ્લાટુન SRPનું બંદોબસ્ત અર્થ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત 4 ઘોડેસવાર, BDDS ટીમ, 3 વર્લ્ડ મોબાઈલ, 3 QRTની ટીમ તેમજ રૂટ પરના CCTV કેમેરા, બોડી વોર્ન કેમેરા, હાઈરાઈઝ પોઈન્ટ વૉચટાવર દ્વારા તમામ સુરક્ષા વ્યવસ્થાનું તથા બંદોબસ્તનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ખોટી અફવાઓ ફેલાવનાર કે કોઈ ખોટા મેસેજ વાઈરલ કરનાર અંગે સોશિયલ મીડિયા ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાં અષાઢી બીજના દિવસની રથયાત્રાને લઇને વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. જેમાં રથયાત્રાના રૂટ પર `નો પાર્કિંગ ઝોન' અને `ટ્રાફિક ડાયવર્ઝન'ની વ્યવસ્થા અંગે વિગતો આપવામાં આવી છે. જાહેરનામું આજે બપોરના 1 કલાકથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે.