ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ અસામાજિક તત્વો સામે પોલીસે ઝુંબેશ ઉપાડી છે. લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વડોદરા પોલીસે શહેરમાં માથાભારે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા 4063 શખ્સોની અટકાયત કરી છે અને 13 શખ્સો સામે પાસાની કાર્યવાહી કરી છે.
લોકસભાની ચૂંટણી 16 માર્ચના રોજ જાહેર કરવામાં આવી હતી. ત્યારથી લઇને આજ દિવસ સુધી સીઆરપીસી-107, 116, 109 અને 110, 151 અને પ્રોહિબિશન-93 મુજબ વડોદરા પોલીસ દ્વારા અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. ચૂંટણીને અનુલક્ષીને વડોદરા પોલીસ દ્વારા ઠેર-ઠેર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને અસામાજિક તત્વો સામે ઝુંબેશ ઉપાડવામાં આવી છે.
વડોદરા શહેરના સયાજીગંજમાં 370, ફતેગંજમાં 284, છાણીમાં 213, નંદેસરીમાં 144, ગોરવામાં 394, લક્ષ્મીપુરામાં 189, જવાહરનગરમાં 239, રાવપુરામાં 130, નવાપુરામાં 195, ગોત્રીમાં 124, જે.પી. રોડમાં 79, અકોટામાં 103, અટલાદરામાં 112, પાણીગેટમાં 267, વાડીમાં 109, કપુરાઇમાં 67, મકરપુરામાં 144, માંજલપુરમાં 130, સિટીમાં 151, બાપોદમાં 174, વારસીયામાં 53, કુંભારવાડામાં 116, કારેલીબાગમાં 114, સમામાં 55 અને હરણીમાં 107 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે અને રોજેરોજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.