- નવાપુરા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી
શહેરના પથ્થરગેટ સાયકલ બજારમાં પોલીસે આકસ્મિક ચેકિગ હાથ ધર્યું હતું. જેમાં સાઇકલના ફ્રેમ નંબર અને ગ્રાહકોની નોંધણી વગરની બિલ બૂક જણાતા સાયકલોનું વેચાણ કરતાં 4 વેપારીઓ સામે નવાપુરા પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભૂતકાળમાં જુદા-જુદા શહેરોમાં સાઇકલ ઉપર સ્ફોટક પ્રદાર્થો રાખીને ભીડભાડવાળી જગ્યાઓ પર સાઇકલો રાખીને બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ બની ચૂકી છે. જેને લઇને વડોદરા શહેર પોલીસ કમિશનરે સાઇકલ-સ્કૂટર ખરીદનારની ઓળખ માટે અને વેચનાર વેપારી બિલમાં સાયકલનો પ્રકાર, ચેસીસ નંબર, ગ્રાહકનું પૂરું નામ સરનામું, ટેલિફોન નંબર લખવા માટેનું જાહેરનામું બહાર પાડેલું છે. જેને લઇને નવાપુરા પોલીસ પથ્થર ગેટ પાસે સાઇકલ બજારમાં આવેલી રોયલ સાઇકલમાં તપાસ કરવા પહોંચી હતી. ત્યાં તપાસ દરમિયાન સાઇકલના ફ્રેમ નંબર અને આઇડી પ્રુફ વગરની બિલ બૂક જણાતા નવાપુરા પોલીસે વેપારી નુરમોહમંદ યુસુફ તૈડીવાલા (રહે. હનુમાન ફળીયા ન્યુ રોડ, લહેરીપુરા, વડોદરા) સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.
આ ઉપરાંત સાઇકલ બજારમાં જ આવેલી અંબા સાઇકલમાં તપાસ કરતા સાઇકલના ફ્રેમ નંબર અને આઇડી પ્રુફ વગરની બિલ બૂક જણાઇ હતી. જેથી નવાપુરા પોલીસે મીતેશ પટેલ (રહે. એ-5, ઉમાનગર વિભાગ-2, વાઘોડિયા, વડોદરા) સામે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.
આ ઉપરાંત ઓનેસ્ટ સાઇકલ કંપનીના ઇબ્રાહિમભાઇ રહેમુભાઇ દુધવાલા (રહે. હનુમાન ફળીયા, ન્યાયમંદિર પાછળ, મદનઝાંપા રોડ, વડોદરા) અને પોપ્યુલર સાઇકલના પ્રણવ દિનેશ શાહ (રહે.16, નવપદ સોસાયટી, મહાવીર હોલ સામે, આજવા રોડ, વડોદરા) સામે પણ નવાપુરા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.