- ડ્રાઇવરે કહ્યું, અમિતનગર સર્કલથી બ્રેક લાગતી નહોતી, મેં પેસેન્જરોને ઉતરવા કહ્યું છતાં તેઓ ન ઉતરતાં હું બસ ચલાવી આગળ નીકળ્યો હતો
વડોદરાના વુડા સર્કલ પાસે ST બસની બ્રેક ફેલ થતાં ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. ડ્રાઈવરને અમિતનગર સર્કલથી ખબર હતી કે, બસની બ્રેક ફેલ થઈ ગઈ છે તેમ છતાં ડ્રાઈવર અમિતનગર સર્કલથી એક કિલોમીટર સુધી ગાડી ચલાવીને લઈ ગયો હતો. જેને પગલે અકસ્માતગ્રસ્ત કારચાલકો અને આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત બસની બ્રેક ફેલ હોવા છતાં ડ્રાઈવરે એક કિલોમીટર સુધી બસ ચલાવીને મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વુડા સર્કલ પાસે રાજ્ય સરકારની સલામત સવારી ST અમારી બસના ચાલકે ચારથી પાંચ કારને અડફેટે લીધી હતી. જેને પગલે વુડા સર્કલ પાસે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાને પગલે લોકોએ પોલીસની જાણ કરી હતી. જેથી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી.
આ સમયે રોષે ભરાયેલા લોકોએ ડ્રાઇવરને પૂછ્યું હતું કે, તારી ગાડીમાં બ્રેક નહોતી ને? જેથી ડ્રાઇવરે કહ્યું હતું કે, અમિતનગર સર્કલથી બ્રેક લાગતી નહોતી. અને મેં અમિતનગર સર્કલ પાસે પેસેન્જરોને ઉતરવા કહ્યું હતું પણ તેઓ બસમાંથી ઉતર્યા નહોતા. જેથી હું બસ ચલાવીને આગળ નીકળ્યો હતો. લોકોએ પૂછ્યું હતું કે, તને ખબર હતી કે બ્રેક ફેલ છે તો તું અમિતનગરથી બસ ચલાવીને કેમ લાવ્યો. તારે બસ અમિતનગર સર્કલ ઉપર જ સાઈડમાં કરી દેવાયને. અને તું સ્વીકારે છે કે તારી ભૂલ છે. જેથી ડ્રાઇવરે હા પાડી હતી. આ ઉપરાંત લોકોએ પૂછ્યું હતું કે, તારી પાસે લાઇસન્સ છે, તો ડ્રાઇવરે કહ્યું હતું કે, મારી પાસે અત્યારે લાઇસન્સ નથી. જેથી લોકોએ કહ્યું હતું કે, તારી પાસે લાઇસન્સ નહોતું તો તું ગાડી શા માટે ચલાવે છે.
એક કાર ચાલકે જણાવ્યું હતું કે, એસટી બસના ડ્રાઇવરે ચારથી પાંચ ગાડીઓને પાછળથી ટક્કર મારી હતી. હું 20ની સ્પીડે કાર લઈને જઈ રહ્યો હતો તે સમયે મારી કારને પાછળથી ટક્કર મારતા ઘણું નુકસાન થયું છે. બસના ડ્રાઇવર પાસે લાઇસન્સ પણ નથી. બ્રેક લાગતી નહોતી, તેમ છતાં ડ્રાઇવરે બસ ઉભી રાખી ન હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોત તો કોણ જવાબદાર હોત. અમારી ગાડીમાં મોટું નુકસાન થયું છે તેનો ખર્ચો આપવો જોઈએ.
અન્ય એક કાર ચાલકે જણાવ્યું હતું કે, એસટી બસના ચાલકે સૌથી પહેલાં અમારી ગાડીને ટક્કર મારી હતી. અને ત્યાર બાદ અન્ય ગાડીઓને ટક્કર મારી હતી. આ ઘટના સમય કારમાં મારી પત્ની અને મારો પુત્ર સાથે હતા. મારી પત્નીને માથાના ભાગે વાગ્યું છે અને મારી ગાડીમાં પણ નુકસાન થયું છે. જોકે, નુકસાન થયું એ તો ઠીક છે, પરંતુ મારી ગાડીની પેટ્રોલની ટાંકી લીકજ થઈ ગઈ હતી અને આગ લાગી હોત તો મોટી તકલીફમાં મુકાઈ જાત. મારી માંગણી છે કે, આ ડ્રાઈવરનું લાઇસન્સ કાયમ માટે કેન્સલ કરી દેવું જોઈએ. અને તેને નોકરીમાંથી રજા આપી દેવી જોઈએ. અમે તુરંત જ પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસ એક કલાક સુધી સ્થળ પર પહોંચી નથી. મોડે મોડે પોલીસ સ્થળ પર આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સલામત સવારી એસટી અમારી સૂત્રના ફરી એકવાર લીરેલીરા ઉડતા હોય તેવી ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે. એસટી બસમાં મુસાફરો સુરક્ષિત નથી, એવું આ ઘટના પરથી સાબિત થાય છે. અત્યારે આ બાબતે કડક પગલાં લેવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.