- ભારે વરસાદની આગાહીને પગલે જરોદની NDRFની ટીમ તૈયાર, આ પહેલા વલસાડ, રાજકોટ અને કચ્છ જિલ્લામાં 3 ટીમો મોકલી હતી
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે વડોદરાના જરોદ સ્થિત NDRFના હેડક્વાટર્સ ખાતેથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ટીમો મોકલવામાં આવી રહી છે. આજે વધુ 4 ટીમોને ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જિલ્લામાં મોકલવામાં આવી છે. આ પહેલા વલસાડ, રાજકોટ અને કચ્છ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી હતી.
ચોમાસામાં ભારે વરસાદની આગાહીને પગલે વડોદરાના જરોદથી એનડીઆરએફની સાત અલગ-અલગ ટીમો રાજ્યના સાત જુદા-જુદા શહેરોમાં ડિપ્લોય કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં ચોમાસુ બેસી ગયુ છે. આ વર્ષે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ત્યારે રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી શક્યતા છે. જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે અને ભારે વરસાદની સ્થિતિમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બની ગયું છે અને વડોદરાના જરોદ NDRFની ટીમોને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તહેનાત કરવામાં આવી રહી છે.
હવામાન ખાતાની આગાહીને પગલે રાજ્યનું એનડીઆરએફ સતર્ક બન્યુ છે. જેને પગલે એનડીઆરએફની સાત ટીમો સાત જુદા જુદા જિલ્લોમાં ડિપ્લોય કરાઇ છે. વડોદરાના જરોદ NDRFની 4 ટીમોને ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જિલ્લામાં મોકલવામાં આવી છે. આ પહેલા વલસાડ, રાજકોટ અને કચ્છ જિલ્લામાં 3 ટીમો મોકલવામાં આવી હતી. આમ અત્યારસુધીમાં કુલ NDRFની 7 ટીમને વિવિધ જિલ્લાઓમાં તહેનાત કરી દેવામાં આવી છે. ભારે વરસાદ અને પૂરની સ્થિતિ માટે તૈયાર છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ચોમાસુ મધ્ય-ઉત્તર ગુજરાતમાં પ્રવેશ્યું છે. ગતરોજ સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ મોડીરાતથી મધ્ય-ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ખેડા જિલ્લના માતરમાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. તો આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના 59 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં રાજ્યના સાત જિલ્લાઓમાં પુરની સ્થિતિ જોવા મળે તેના આગોતરી તૈયારીના ભાગરૂપે એનડીઆરએફે આ સાતેય જિલ્લામાં એક એક ટીમ ડિપ્લોય કરી દીધી છે. તમામ ટીમો પોતપોતાના ડ્યુટી સ્થળો તરફ રવાના થઈ હતી.