- ખોટી અફવાથી ભ્રમિત ન થવા માટે કલેક્ટર બિજલ શાહે અપીલ કરી
વડોદરા શહેરમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલમાં વિવિધ પ્રકારના આધારભૂત પુરાવા અંગેની ખોટી અફવાઓ ફેલાય છે, જેનાથી દૂર રહેવા માટે કલેક્ટરે આવવાનું કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરાના નાના વેપારીઓ માટે ખાસ જાહેર કરવામાં આવેલા પૂર રાહત પેકેજનો લાભ લેવા માટે અઢાર જેટલા આધાર-પૂરાવા માંગવામાં આવતા હોવાની અફવાનું કલેક્ટર બિજલ શાહે ખંડન કર્યું છે.
તેમણે જણાવ્યું કે, નિયત ફોર્મમાં નાના દુકાનદારો માટેથી આધાર કાર્ડ, ધંધા કરતા હોવાનું કોઇ પણ એક પૂરાવો જેમાં શોપ રજીસ્ટ્રેશન, શોપ લાયસન્સ અથવા જીએસટી નોંધણી, ડીબીટીથી સહાય આપવાની હોવાથી બેંક ખાતાની વિગતો ઉપરાંત પૂર ઉતર્યા બાદ નુકસાનીના ફોટો કે વીડિયો ઓડિટના હેતુથી આપવાના રહે છે. આથી ઉક્ત ચાર જેટલા જ આધારો સાથે પૂર રાહત પેકેજનો લાભ આપવામાં આવશે. એટલે ખોટી અફવાથી ભ્રમિત ન થવા માટે કલેક્ટરે અપીલ કરી છે.