- યુવક કોઈન ગ્રોથ લિમિટેડ નામના ટેલિગ્રામ ગ્રુપ એડ થયો હતો
- ગ્રૂપમાં સભ્યો દ્વારા મુકાયેલા ઇન્વેન્ટમેન્ટના સ્ક્રિન શોટ્સ જોઇને યુવકે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું
ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહીને 30 ટકા પ્રોફિટની લાલચ આપી 4 ભેજાબાજોએ મળીને વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા યુવક પાસેથી 90.81 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વડોદરા શહેરના આજવા રોડ પરના રાજેશ્વર પાર્કમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા રોનક બારોટે સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું છેલ્લા 4 વર્ષથી ખાનગી કંપનીમાં નોકરી કરું છું. એપ્રિલ-2022માં હું મારા ઘરે હતો, તે સમયે સોશિયલ મીડિયામાં શેરબજારની એક જાહેરાત આવી હતી. તેના COIN GROWTH LIMITED નામના ટેલિગ્રામ ગ્રુપમાં હું એડ થયો હતો. ત્યારબાદ હું શેરબજારના અલગ-અલગ ગ્રુમાં જોડાયો હતો.
આ ગ્રુપની અંદર ગ્રુપના સભ્યો દ્વારા મુકવામાં આવેલા ઇન્વેન્ટમેન્ટના સ્ક્રિન શોટ્સ જોઇને મને પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઇચ્છા થઈ હતી. પરંતુ ગ્રુપમાં એડમિન સિવાય કોઈ લખી ન શકે તેવું સેટિંગ કર્યું હતું. જેથી હું ટેલિગ્રામમાં કોઈ મેસેજ લખતો નહોતો. જેથી કઈપણ વાતચીત કરવી હોય તો ગ્રુપના એડમિન સાથે કરવી પડે. જેથી મેં ગ્રુપના એડમિન એન્થોની સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. તેઓએ મને ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરવાનું કહ્યું હતું. જેથી મેં કહ્યું હતું કે, મને ક્રિપ્ટો વિશે કોઈ જાણકારી નથી. જેથી તેઓ મને Binance નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવા માટે જણાવ્યું હતું. જેથી મેં આ એપ ડાઉનલોડ કરી હતી અને તેમની સલાહથી પર્સનલ એકાઉન્ટ પણ બનાવ્યું હતું અને ત્યારબાદ મેં બિનાન્સની વેરીફિકેશન પ્રોસેસ શરૂ કરી હતી. સામેવાળાએ મને કહ્યું હતું કે, બિનાન્સ પરથી ખરીદી કરીને અમે જે આઇડી આપીએ તેના ઉપર ટ્રાન્સફર કરશો એટલે તમને 30 ટકા જેટલુ પ્રોફિટ થશે.
જેથી મેં તેમની વાતમાં આવીને મેં ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું હતું. શરૂઆતમાં મેં 44 હજારનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, પરંતુ સામેવાળાએ મને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કહ્યું હતું. આ દરમિયાન મારે મેસેજ અને મેઇલ મારફતે અલગ-અલગ લોકો સાથે વાતો થઈ હતી. મેં અત્યારસુધીમાં 90.81 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે, જોકે, 30 ટકા પ્રોફિટ આપવાની લાલચ આપીને મને મારા રૂપિયા પણ પરત કર્યાં નથી અને મારી સાથે છેતરપિંડી આચરી છે. આ મામલે મેં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 4 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.