- અકોટા-દાંડિયાબજાર રોડ, ફતેગંજ અને અટલ બ્રિજ પર બેફામ બનેલા બાઇકર્સને પીસીબીએ પકડતાં હાથ જોડી માફી માગી, 4 બાઇક જપ્ત કરી રાવપુરા પોલીસને સોંપ્યા
શહેરના રાજમાર્ગો પર બેફામ બાઇક હંકારી આતંક મચાવતી બાઇકર્સ ગેંગનો વીડિયો વાઇરલ થતાં શહેર પોલીસ એક્શનમાં આવી હતી. જેને પગલે પીસીબી પોલીસની ટીમે 4 બાઇકર્સને 4 બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે વધુ કાર્યવાહી માટે ચારેય બાઇકર્સને રાવપુરા પોલીસને સોંપ્યા હતા.
ઉલ્લેકનીય છે કે, શહેરમાં જાહેર માર્ગો પર બાઇકર્સ ગેંગ આતંક મચાવે છે. 105થી 134 કિમી પ્રતિ કલાકની ઝડપે બેફામ બાઇક હંકારતા બાઇકર્સ ઓવરટેક કરી અન્ય વાહન ચાલકોને અપશબ્દો પણ ભાંડતા હતા. રીલ બનાવવાની હોડમાં ટ્રાફિકથી ભરચક રોડ પર અન્ય વાહન ચાલકો માટે જોખમ બનતા બાઇકર્સ પોલીસ માટે પડકારરૂપ હતા.
વડોદરા શહેરના અકોટા-દાંડિયાબજાર રોડ, ફતેગંજ અને અટલ બ્રિજ પર બેફામ બનતા બાઇકર્સને છેવટે પીસીબી પીઆઇ સીબી ટંડેલ અને તેમની ટીમે ઝડપી પાડયા હતા. પોલીસે બાઈકર્સ આફતાબ જાવેદ શેખ (રહે. બ્લોક નં-3, ઘર નં-12, કિશનવાડી), હર્ષ ભરતરાવ પવાર (રહે. બજરંગ નગર, દંતેશ્વર), પ્રેમ અર્જુન પવાર (રહે. બજરંગ નગર, દંતેશ્વર) અને પ્રીત શૈલેન્દ્ર પરમાર (રહે. 19, ખોડિયાર નગર-1, ન્યૂ VIP રોડ)ની અટકાયત કરી 4 બાઇક જપ્ત કરી રાવપુરા પોલીસને સોંપ્યા હતા. રાવપુરા પોલીસે ચારેય બાઇકર્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.