- પોલીસે વિવિધ સ્થળોએ રેડ કરીને 58.27 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો
વડોદરામાં 31stની રાત્રે ચેકિંગ દરમિયાન પીધેલી હાલતમાં 36 લોકોને ઝડપી પાડીને કેસ નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદેશી દારૂના 6 કેસ કરીને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 1.75 લાખ રૂપિયાની કિંમતની 1652 બોટલ જપ્ત કરી હતી. દેશી દારૂના 23 કેસ કરીને 23 આરોપીની ધરપકડ કરી હતી. 2240 રૂપિયાનો 122 લીટર દારૂ જપ્ત કર્યો હતો.
વડોદરા શહેર પોલીસના તમામ પોલીસ સ્ટેશન, DCB, SOG અને PCB દરમિયાન 23 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી પ્રોહિબિશનને લઇને ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે વિવિધ સ્થળોએ રેડ કરીને 58.27 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો અને કુલ 92.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત 278 ઇસમો સામે 355 કેસો કરીને 37 હજારની કિંમતનો 1889 લીટર દારૂ જપ્ત કર્યો હતો. જોકે, પોલીસની ડ્રાઇવ દરમિયાન ડ્રગ્સનું સેવન કરનાર કોઇ ઇસમ મળી આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.
31 ડિસેમ્બરની રાત્રે વડોદરા શહેર પોલીસે વિવિધ 21 પોઇન્ટ પર બાજ નજર રાખી હતી અને દારૂ પી અને ડ્રગ્સ લઇને નીકળતા લોકોને પકડવા માટે ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત શહેરમાં પ્રવેશવાના માર્ગો ઉપર પર પણ વોચ ગોઠવી હતી અને સઘન ચેકિંગ કર્યું હતું.