- બાંકડા પર બેઠેલા બે મિત્રોને અહીં કેમ બેઠા છો? અહીંથી જતા રહો કહી ઉશ્કેરાયેલા શખ્સ સહિત તેના મિત્રોએ માર મારતા અન્ય માણસોએ છોડાવ્યા હતા
વડોદરા શહેરના ઉંડેરા વિસ્તારમાં ચાર શખસોએ મળીને બે યુવકને માર માર્યો હતો. આ મામલે જવાહરનગર પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેર નજીક આવેલા કરોડીયા ગામમાં આવેલા ક્ષત્રિય સોસાયટીમાં રહેતા સુરેન્દ્રસિંહ પ્રવિણસિંહ દિવેરા (ઉ.27) એ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા-3/3/2025ના રોજ હું અને મારો મિત્ર દિવ્યેશ જશવંતભાઇ વસાવા સાથે અમે બન્ને રાત્રિના 11.30 વાગ્યાની આસપાસ ઉંડેરા રિલાયન્સ પેટ્રોલપંપની સામે આવેલા રઇજી ચા વાળાના ગલ્લા પાસે આવેલા બાકડા પર બેસેલા હતા. તે વખતે આકાશ ઉર્ફે મુન્નો મહેન્દ્રભાઇ સોલંકી, પ્રિતેશ રમેશભાઇ મકવાણા આવ્યા હતા અને અમને કહ્યું હતું કે, અહી કેમ બેઠા છો? જતા રહો અહીથી, તેમ કહેતા મેં કહ્યું હતું કે, કેમ તારે શું છે? અમે અહી રોજ બેસીએ છીએ. જેથી પ્રિતેશે એકદમ ઉશ્કેરાઇ જઇને મારી ફેટ પકડી લીધી હતી.
મને અને મારા મિત્રને ગંદી બિભત્સ ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ આકાશ ઉર્ફે મુન્નાએ મને માથાના ભાગે પથ્થર મારી દીધો હતો અને ત્યાર બાદ પછી આકાશ અને પ્રિતેશના મિત્ર જીતેશ અરવિંદભાઈ મકવાણા અને આતિશ ઉદેસીંહ પઢીયાર આવી ગયા હતા અને જીતેશ ઉર્ફે લલ્લુ મકવાણાએ લાકડાની પટ્ટીથી મને બરડાના ભાગે માર માર્યો હતો. તે વખતે મારો મિત્ર ગ્યાસુદ્દીન મકસુદ ચૌહાણ આવી ગયો હતો અને મને છોડાવવા પડયો હતો. તે વખતે તેને પણ આ ચારેય જણા ભેગા મળીને તેને પણ ગડદા પાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ બીજા માણસો ભેગા થતા અમને છોડાવ્યા હતા.
આકાશ અને પ્રિતેશ જતા જતા કહ્યું હતું કે, બીજી વાર જો અહી આવ્યા તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી આપી હતી. ત્યાર બાદ અમે તથા મારા મિત્ર ગ્યાસુદ્દીન ચૌહાણ ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર કરીને અમેં ફરિયાદ કરવા આવ્યો છું અને દિવ્યેશને મુઢમાર વાગ્યો હોવાથી તેની સારવાર કરાવી નથી અને આરોપી આકાશ ઉર્ફે મુન્નો મહેન્દ્રભાઇ સોલંકી, પ્રિતેશ રમેશભાઈ મકવાણા, જીતેશ ઉર્ફે લલ્લુ અરવિંદભાઈ મકવાણા અને આતિશ ઉદેસીંહ પઢીયાર તમામ (રહે. ઉંડેરા ગામ, પરા ફળીયામાં, વડોદરા) સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.