નિઝામપુરાની બંધ ઓફિસમાંથી ચોરી કરનાર 4 આરોપી ઝડપાયા, પૂર્વ કર્મચારી વોન્ટેડ જાહેર

ક્રાઇમ બ્રાંચે બાતમી આધારે ચોરી કરનાર આરોપીઓને ઐયપ્પા ગ્રાઉન્ડમાંથી ઝડપી પડ્યા

MailVadodara.com - 4-accused-arrested-for-stealing-from-closed-office-in-Nizampura-former-employee-declared-wanted

- પૂર્વ કર્મચારીએ ટીપ આપી 4 મિત્ર પાસે કન્સલ્ટન્સીની ઓફિસમાં ચોરી કરાવી હતી

- આરોપીઓ પાસેથી લેપટોપ, 7 મોબાઇલ, બ્રોડબેન્ટનું રાઉટર, હેડફોન, પંચધાતુની ગણપતિની મૂર્તિ, 3 ચાંદીના સિક્કા અને 2 લગડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો


પૂર્વ કર્મચારીએ જ આપેલી ટીપના આધારે વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ બંધ ઓફિસમાં રાત્રિના સમયે ચોરી કરનાર 4 આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. જ્યારે ઓફિસના પૂર્વ કર્મચારીને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ આદિતવિલા કોમ્પ્લેક્ષમાં કન્સલ્ટન્સીની ઓફિસમાં લેપટોપ, 3 મોબાઇલ, ભગવાનની પંચધાતુની મૂર્તિ, ઇન્ડેક્ષન સગડી, પેનડ્રાઇવ અને રોકડ રકમ મળીને કૂલ 82,134 રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશન અને વડોદરા ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, ચોરી કરનાર આરોપીઓ સમા ખાતે આવેલા ઐયપ્પા ગ્રાઉન્ડ ખાતે હાજર છે, જેથી ક્રાઇમ બ્રાંચની ટીમ તુરંત જ દોડી ગઇ હતી. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે શીવજી જીતુભાઇ સોલંકી (રહે. મહાકાળી સોસાયટી, સમા, ચાણક્યપુરી, વડોદરા), અંકુર સુરેશભાઇ રાજપૂત (રહે. શિવમ ફ્લેટ, શુક્લાનગર, નિઝામપુરા, વડોદરા), રાજ દિનેશભાઇ હમીરાણી (પ્રજાપતિ), (રહે. મહાકાળી સોસાયટી, સમા, ચાણક્યપુરી, વડોદરા) અને કરણ રાજેશભાઇ સુથાર (રહે. મહાકાળી સોસાયટી, સમા, ચાણક્યપુરી, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા.


પોલીસે આરોપીઓ પાસેથી એક લેપટોપ, 7 મોબાઇલ, ઇલેક્ટ્રીક સગડી, લેપટોપની બેટરી, 2 એડેપ્ટર, માઉસ, બ્રોડબેન્ટનું રાઉટર, હેડફોન, પંચધાતુની ગણપતિની મૂર્તિ, 3 ચાંદીના સિક્કા અને 2 લગડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, તેમનો મિત્ર નિતેષ રાવલ નિઝામપુરા વિસ્તારમાં આવેલી કન્સલ્ટન્સીની ઓફિસમાં ડ્રાઇવર તરીકેની નોકરી કરી હતી. આ ઓફિસમાં ઓછામાં ઓછી 50 હજાર રૂપિયાની રકમ રહેતી હોવાની ટીમ નિતેષ રાવલે આપી હતી. જેથી ચારેય ઇસમોએ મળીને ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસે આરોપી નિતેષ રાવલ (રહે. મહાકાળી સોસાયટી, સમા, ચાણક્યપુરી, વડોદરા)ને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ શરૂ કરી છે.

Share :

Leave a Comments