- હુમલાની સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેમેરામાં કેદ થઈ ગઈ હતી
- ડભોઇ રોડ પર રહેતો કુનાલ ઉર્ફે ઢોસો રઘુપતિ તેવર (મદ્રાસી) ભૂતકાળમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું ખુલ્યું
વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં મહિલા સિક્યુરિટી ગાર્ડે શોપિંગ કોમ્પ્લેક્ષમાં ચાર શખસને સિગારેટ પીવાની ના પાડતા તેઓએ મહિલાને માર માર્યો હતો. બાદમાં તેના પર સળિયા વડે હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. મહિલા સિક્યુરિટી ગાર્ડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચાર શખસે મને શારીરિક સ્પર્શ કરીને મારું બાવડું પકડી મને ખેંચી હતી. એક કાળા શર્ટ વાળા શખસે મારા વાળ પકડીને મારા માથાના ભાગે કડુ માર્યું હતું. આ સાથે મને ધમકી આપી હતી કે, તને હું જીવતી નહીં છોડુ. મકરપુરા પોલીસે મહિલાની ફરિયાદ અને CCTVની મદદથી એક કિશોર સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે.
મહિલા સિક્યુરિટી ગાર્ડે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટરની સામે આવેલા શોપિંગ કોમ્પ્લેક્ષમાં મંગળવારે સવારના સમયે હું ફરજ પર હતી. આ દરમિયાન બપોરના 1 વાગ્યાના અરસામાં કેટલાક યુવકો ત્યાં આવ્યા હતા અને સિગારેટ પીવાનું શરૂ કર્યું હતું. જેથી મને શંકા ગઈ હતી કે, આ શખસો સિગારેટ દ્વારા કોઈ બીજો નશો કરી રહ્યા છે. જેથી મેં તેઓને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું. જેથી ચારે શખસ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને મને જેમતેમ બોલવા લાગ્યા હતા અને પછી સલૂનમાં જતા રહ્યા હતા. તેઓ પીધેલા હોય તેવા લાગતા હતા.
ત્યારબાદ મેં કહ્યું હતું કે, મારા સાહેબ જોડે વાત કરીને નીકળો, જેથી તેઓએ મારા વાળ પકડીને મને માર માર્યો હતો અને ચારેયે મારા પર હુમલો કર્યો હતો. તમામ મળીને મારી સાથે ઝપાઝપી કરતાં કોમ્પ્લેક્ષના ચોથા માળેથી લોકો આવી ગયા હતા અને ઝઘડો શાંત પાડ્યો હતો. જોકે, આ બાદ એક શખસ સળિયો લઈને આવ્યો હતો અને મારા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ લોકોનું ટોળું જોઈને તેઓ ત્યાંથી નાસી ગયા હતા, આ હુમલાની સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મહિલાએ આ બાબતે મકરપુરા પોલીસ મથકમાં પહોંચી અને યુવકો અને કિશોર સામે ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા પોલીસે CCTVની મદદથી કુનાલ ઉર્ફે ઢોસો રઘુપતિ તેવર (મદ્રાસી) (ઉં.19), (રહે- સાઇધામ સોસાયટી, ડિ-માર્ટની બાજુમાં, વાઘોડીયા રોડ, વડોદરા), દિપ દેવેંદ્રભાઇ રાઠોડ (ઉં.20), (રહે. ગાંધીકુટીર, ઉકાજીનુ વાડીયુ, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડીયા રોડ, વડોદરા), આદર્શ રામસ્વરુપ પંચાલ (ઉં.20) (રહે. ચોથા માળે, ગોપાલ એપાર્ટમેંટ, પુનમ કોમ્પ્લેક્ષની સામે, કલાદર્શન, વાઘોડીયા રોડ વડોદરા) અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર સહિતના આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાર યુવકોએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. જે પૈકી ડભોઇ રોડ પર રહેતો કુનાલ ઉર્ફે ઢોસો રઘુપતિ તેવર (મદ્રાસી) ગાંજાનું સેવન પણ કરે છે અને તે ભૂતકાળમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે.