- તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું
વડોદરાના પાદરામાં સોનીની દુકાનની બે લોખંડની જાળીને લગાવેલા તાળાં કોઈ અજાણ્યા શખ્સો તોડી દુકાનમાંથી સોનાના દાગીના બનાવવાનું રૂપિયા 4.44 લાખની કિંમતનું 84 ગ્રામ સોનું તેમજ CCTVનું ડીવીઆર ચોરી ગયા હતા. આ બનાવ અંગે દુકાન માલિકે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પાદરા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે પાદરા ચોક્સી બજારમાં નાંદેરા શેરીમાં કિરણકુમાર રમેશચંદ્ર સોની પરિવાર સાથે રહે છે અને ચોક્સી બજારમાં સોનીની દુકાન ધરાવે છે. બે દિવસ પહેલાં કોઈ અજાણ્યા શખ્સો તેઓની દુકાનની બે લોખંડની જાળીમાં લગાવેલા તાળાં તોડીને દુકાનના ડ્રોઅરમાં ડબીમાં મુકેલું સોનાના દાગીના બનાવવાનું 84 ગ્રામ સોનાનું મટીરીયલ ચોરી કરી ગયું હતું.
સવારે રાબેતા મુજબ દુકાનમાં આવેલા કિરણકુમાર સોનીએ દુકાનની જાળીને લગાવેલા તાળાં તૂટેલા જોતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન દુકાનમાં જઇ તપાસ કરતા ડ્રોઅરલમાં ડબીમાં મુકેલ સોનાના દાગીના બનાવવાનું મટીરીયલ જણાઇ આવ્યું ન હતું. બાદમાં દુકાનમાં કેટલા લોકો પ્રવેશી ચોરી કરી તે અંગે જાણવા માટે CCTV ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તસ્કરો ડીવીઆર પણ ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
દુકાનમાં થયેલી ચોરીના બનાવની જાણ કિરણકુમારે પાદરા પોલીસને કરતા પાદરા પોલીસ દોડી આવી હતી અને દુકાનમાં તસ્કરો કેવી રીતે પ્રવેશ્યા અને કેટલાની ચોરી કરી ગયા તે અંગે તપાસ કરી હતી. કિરણકુમાર સોનીએ પોલીસને દુકાનમાંથી તસ્કરો રૂપિયા 4,44,400ની કિંમતનું સોનાના દાગીના બનાવવાનું 84 ગ્રામ મટીરીયલ તેમજ રૂપિયા 5 હજારની કિંમતનું CCTVનું ડીવીઆર ચોરી કરી ગયા હોવાનું જણાવ્યું હતું અને પોતાની ફરિયાદ નોંધાવી હતી.
પાદરા સોની બજારમાં બનેલા ચોરીના આ બનાવે સોની બજારમાં ચકચાર જગાવી મૂકી હતી. તે સાથે સોની સહિત અન્ય દુકાન માલિકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. પાદરા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે તસ્કરોની ભાળ મેળવવા માટે બજારમાં લાગેલા અન્ય CCTVના ફૂટેજ લેવાની તજવીજ હાથ ધરી છે.