વડોદરા શહેરમાંથી 108 એમ્બ્યુલન્સને છેલ્લાં 11 દિવસમાં હિટ સ્ટ્રોક સહિતના 368 દર્દીઓના કોલ

હાલમાં 108 એમ્બ્યુલન્સની 42 ટીમ રાત-દિવસ 24 કલાક કાર્યરત છે

MailVadodara.com - 368-patient-calls-including-stroke-hit-108-ambulances-from-Vadodara-city-in-last-11-days

- આકાશમાંથી વરસી રહેલી આગ ઝરતી ગરમીમાં પશુ-પંખીઓ પણ આકૂળ-વ્યાકૂળ બની ગયા, અંગ દઝાડતી ગરમીની જનજીવન અસર

શહેરના વાતાવરણમાં શરૂ થયેલી આકરી ગરમીએ તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામાન્ય જનજીવન ઉપર તેની માઠી અસર જોવા મળી છે. છેલ્લા 11 દિવસ દરમિયાન 108 એમ્બ્યુલન્સને હીટ સ્ટ્રોક, ચક્કર, વોમેટીંગ, ડાયેરીયા સહિતના 368 દર્દીઓના કોલ મળ્યા છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા એમ્બ્યુલન્સમાં રાખવામાં આવતી પ્રાથમિક સુવિધાની કીટ દ્વારા સારવાર પૂરી પાડી રહી છે અને જરૂર પડે નજીકની હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે દાખલ કરી રહ્યા છે.



છેલ્લા એક સપ્તાહથી સરેરાશ 42-43 ડિગ્રી તાપમાન રહેવાના કારણે લોકોને દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ ગયો છે. આકાશમાંથી વરસી રહેલા અગનગોળામાં નોકરી-ધંધાર્થે નીકળતા લોકો હિટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને ચક્કર આવવાના બનાવો જોવા મળી રહ્યા છે. અંગ દઝાડતી ગરમીમાં સામાન્ય જનજીવન ઉપર માઠી અસર જોવા મળી રહી છે. નોકરી-ધંધો ન કરનાર લોકો બિનજરૂરી ઘરમાંથી નીકળવાનું ટાળી રહ્યા છે.

આકાશમાંથી વરસી રહેલી આગ ઝરતી ગરમીમાં પશુ-પંખીઓ પણ આકૂળ-વ્યાકૂળ બની ગયા છે. સયાજીબાગમાં પશુ-પંખીઓને ઠંડા પાણીના ફૂવારાથી રાહત આપવામાં આવી રહી છે. તો રીંછ જેવા પ્રાણીઓને કુલર મૂકીને તેમજ બરફની લાદીઓ મૂકી રાહત આપવામાં આવી રહી છે. શહેરીજનો દ્વારા પોતાના ઘરની બહાર પક્ષીઓ માટે પાણીના કુંડ મૂકી રહ્યા છે.

કાળઝાળ ગરમીના કારણે વેપાર-ધંધા ઉપર પણ અસર જોવા મળી રહી છે. ચોવિસ કલાક ધમધમતા બજારો બપોરના સમયે સુમસામ ભાસી રહ્યા છે. જોકે, વાતાનુકુલીત સાધનો કુલર, એ.સી., પંખાના વેચાણમાં વધારો થઇ ગયો છે. તે સાથે ઠંડા પીણા, આઇસ્ક્રીમ, શેરડીનો રસ, ફ્રૂટનો રસ, બરફનો સરબત જેવા વેપારમાં તેજી આવી ગઇ હતી. બીજી બાજુ ગરમીથી રાહત મેળવવા લોકો વહેતી નદીઓમાં તેમજ સ્વિમીંગ પુલનો આશરો લઇ રહ્યા છે.


છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી અસહ્ય ગરમીના કારણે ફૂટપાથવાસીઓ અને ઝૂંપડાવાસીઓની હાલત દયનીય બની ગઇ છે. રસ્તાઓ ઉપર જનતા કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અસહ્ય ગરમીમાં વાહન ચાલકોને ચાર રસ્તા ઉપર ઉભા રહેવું ન પડે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા બપોરે 1 થી 4 ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યા છે.

108 એમ્બ્યુલન્સના જીતેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, છેલ્લા 11 દિવસમાં હીટ વેવ, ચક્કર, વોમેટીંગ, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, જેવા દર્દીઓના 368 કોલ મળ્યા છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા ORS, ગુલ્કોઝ, આર.એલ.એન. જેવી દવા આપી પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. તેમજ જરૂર પડે ઇ.આર.સી.પી.નો ઓનલાઇન સંપર્ક કરીને તેમની સલાહ મુજબ દવા આપવામાં આવે છે. આથી પણ દર્દીને વધુ જરૂર પડે તો નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં 108 એમ્બ્યુલન્સની 42 ટીમ રાત-દિવસ કાર્યરત છે. છેલ્લા 11 દિવસ દરમિયાન શહેરી વિસ્તારમાંથી વધુ કોલ મળ્યા છે. જેમાં ખાસ કરીને પાણીગેટ, ખોડીયારનગર, સમા, ભાયલી, પાદરા, મુવાલ, અકોટા અને ગોત્રી વિસ્તારનો સમાવેશ થાય છે. 108 એમ્બ્યુલન્સ 24 કલાક સેવા આપી રહી છે.

Share :

Leave a Comments