- જે કોઈ વ્યક્તિ પાસે સાયકલ હોય અને ઉપયોગમાં ના લેવાતી હોય તો તેને દાન તરીકે આપવા માટે સંસ્થા દ્વારા વિનમ્ર અપીલ કરાઇ
ટીમ સહાય ટ્રસ્ટ વડોદરા દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોનાં 32 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સાઇકલ ભેટ આપવામાં આવી હતી. શહેરના વોર્ડ નંબર 6માં હરણી રોડ સ્થિત વિજયનગર ખાતે રી યુઝ ધ ઓલ્ડ સાઇકલ અંતર્ગત સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા સભ્ય સમાજના સેવા ભાવિ લોકો પાસેથી ૩૨ સાયકલો ભેટ તરીકે સ્વીકારવામાં આવી હતી. આ તમામ સાયકલોનું રીપેરીંગ કામ કરી નવા રંગરૂપ સાથે મધ્યમવર્ગીય પરિવારોનાં ૫ વર્ષથી ૧૫ વર્ષની ઉંમરનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પોતાના ઘરેથી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા જવા સરળતા બની રહે તેવા ઉમદા હેતુથી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સાયકલોની સહાય મેળવી સંસ્થા અને ટીમ સહાય ટ્રસ્ટ વડોદરાના જયેશ મિસ્ત્રીનો ખાસ આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સંસ્થા તરફથી ૧૩૬ જેટલી વિદ્યાર્થીઓને સાયકલોની સહાય કરવામાં આવી છે. સભ્ય સમાજ દ્વારા જે કોઈ વ્યક્તિ પાસે સાયકલ હોય અને ઉપયોગમાં ના લેવાતી હોય તો તેને સંસ્થામાં દાન તરીકે આપવા માટે વિનમ્ર અપીલ કરવામાં આવી હતી.