વિશ્વામિત્રીના પૂરમાં નુકસાની વેઠેલા શંકરનગરના 3 હજાર લોકોને કેશડોલ ન મળતાં કલેકટરને રજૂઆત

પુરની તારાજીમાં પ્રતાપગંજ શંકરનગરના રહીશોનો ઘરવખરી-સામાન ખરાબ થઇ ગયો હતો

MailVadodara.com - 3000-people-of-Shankarnagar-affected-by-Vishwamitri-flood-have-not-received-cash-doll-presentation-to-the-collector

- પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસ અગ્રણીની આગેવાનીમાં રજૂઆત કરવા ગયેલા લોકોએ કહ્યું, પૂરમાં કશું બચ્યું નથી, સરકાર દ્વારા મળવાપાત્ર કેશ ડોલ હજુ સુધી મળી નથી

વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરમાં ઘરવખરીના સામાન સહિત ઝૂંપડાઓમાં થયેલા ભારે નુકસાની વેઠેલા પ્રતાપગંજ શંકરનગર ઝૂંપડપટ્ટીના 3 હજાર લોકોને કેશડોલ ન મળતાં કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસ અગ્રણીની આગેવાનીમાં કલેકટરને રજૂઆત કરવા ગયેલા લોકોએ જણાવ્યું હતું કે, પૂરમાં કશું બચ્યું નથી. અમોને સરકાર દ્વારા મળવાપાત્ર કેશ ડોલ હજુ સુધી મળી નથી.


વડોદરામાં ભયંકર પુરની તારાજીથી આખુ વડોદરા શહેર ડૂબી ગયું હતું હતું. જેમાં પ્રતાપગંજ રોઝરી હાઇસ્કૂલ પાસે આવેલા શંકરનગરના રહીશોનો પણ સમાવેશ થાય છે. શંકરનગરના રહીશોએ કલેકટરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, આખા વડોદરાની તારાજીમાં અમારો આખો ઝંપડપટ્ટીનો વિસ્તાર મકાનો સહિત પાણીમાં બે-ત્રણ દિવસ ગરકાવ રહ્યો હતો. આખા ઝૂંપડાઓ મકાન સહિત પતરા સાથે પાણીમાં બે-ત્રણ દિવસ રહ્યા હતા. અનાજ- પાણી ખાવાનું ધાન, ગોદડાં તથા ઘરની તમામ ધરવખરી, પાણીમાં બગડી ગઈ, ટી.વી. જેવા ઉપકરણો પણ ખરાબ થઇ ગયા હતા.

પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત અને કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવતની આગેવાનીમા શંકરનગરના રહીશો કલેકટર કચેરી ખાતે ગયા હતા અને પૂર બાદ બે માસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં કેશ ડોલ મળી ન હોવાની રજૂઆત કરતું આવેદનપત્ર આપ્યું હતું. શંકરનગરના રહીશોએ કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત અને કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે લોકોને ભારે નુકસાન થયું છે. કેશ ડોલની વહેંચણી કરવામાં આવી છે પરંતુ, આયોજનના અભાવે મોટાભાગના વિસ્તારના પૂર પીડિત કેશ ડોલથી વંચિત છે. આ અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ, તંત્ર દ્વારા ઉડાઉ જવાબો આપવામાં આવી રહ્યા છે. હવે ગ્રાન્ટ ન હોવાનું તંત્ર જવાબ આપી રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પૂર પીડિત લોકોને અન્ય કોઈ મદદ પણ મળી નથી કે સરકારી લાભ પણ સરકાર તરફથી મળેલ નથી. એક માણસાઈની દ્રષ્ટિએ પણ શંકરનગર સહિતના વિસ્તારને લાભ મળ્યો નથી. એ તો ઠીક કોઇએ નોંધ પણ લીધી નથી, અમારાં શંકર નગર ઝુંપડાવાસીઓની માંગણી અને લાગણીઓને ધ્યાનમાં લઇ વહેલી તકે કેશડોલની ચૂકવણી કરવામાં આવે.

કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, માત્ર શંકરનગરના લોકો કેશ ડોલથી વંચિત નથી. અંદાજે 5 લાખ લોકોને હજુ કેશ ડોલ સહિતની સહાય મળી નથી. જો સરકાર દ્વારા વહેલી તકે સહાય નહીં ચૂકવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતાં ખચકાશું નહીં.

Share :

Leave a Comments