- સંગમ ચાર રસ્તાથી માણેક પાર્ક સર્કલ તરફ જતા મીરાં સોસાયટી જંક્શન પાસે ટ્રેન્ચલેસ પધ્ધ્તીથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલુ છે
- કામગીરી પૂર્ણ થતા હજારો ઘરોનો ડ્રેનેજનો પ્રશ્ન હલ થશે
વડોદરામાં સંગમ ચાર રસ્તાથી માણેક પાર્ક સર્કલ તરફ જતા મીરાં સોસાયટી જંક્શન પાસે ટ્રેન્ચલેસ પધ્ધ્તીથી ડ્રેનેજ લાઇન રૂપિયા 89.70 લાખના ખર્ચે નાખવામાં કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. આ કામગીરીમાં હવે 54 મીટરનું પુસિંગનું વધારાનું કામ કરવું પડે તેવી આવશ્યકતા ઊભી થઈ છે અને આના માટે 30.90 લાખનો ખર્ચ પણ વધી જશે. આ સંદર્ભે સ્ટેન્ડિંગ સમિતિમાં તાજેતરમાં એક દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તાથી માણેકપાર્ક ચાર રસ્તા તરફ જતા મુખ્ય રસ્તે મીરાં સોસાયટી જંક્શન પાસે રણછોડ પાર્ક સોસાયટીથી સાનિયાનગર અને માનવ સોસાયટી થઇ ઇન્દ્રપુરી ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશન એટલે કે એ.પી.એસ.માં હાલમાં જુની ડ્રેનેજ લાઇન જાય છે. આ એ.પી.એસ.માં જતી લાઇન પર મીરાં સોસાયટી જંક્શન પાસે અંદાજે 6.30 મીટરની ઉંડાઇમાં મશીનહોલ અને લાઇન ભંગાણ થયેલ હતું. આ સ્થળે વરસાદી ગટર, ગેસ લાઇન તેમજ પાણીની લાઇનો આવેલ છે અને ડ્રેનેજ લાઇન મકાનો પાસેથી પસાર થાય છે. આ વિસ્તારમાં વોટર ટેબલ ઊંચુ છે તેમજ નવો રોડ બનેલ હોવાથી મીરાં સોસાયટી જંક્શન પાસેથી આશરે 30 થી 35 મીટરના અંતરે સીંકીંગ ચેમ્બર ઉતારી 914 મી.મી. વ્યાસના પાઇપથી આશરે 103 રનીંગ મીટર જેટલી લંબાઇમાં મેન્યુઅલ પુશીંગ પધ્ધતિથી 450 મી.મી. વ્યાસના આર.સી.સી. પાઇપો નાંખી કુમારપાર્ક સોસાયટી પાસે આવેલ હયાત મશીનહોલ સાથે જોડાણ કરવાના કામનો પણ ખર્ચના અંદાજમાં સમાવેશ કરેલ હતો.
આ કાર્ય પૂર્ણ થતાં આશરે વીસ હજાર ઘરની ડ્રેનેજની સમસ્યા હલ થશે. આ ડ્રેનેજ લાઇનની કામગીરીમાં કદમ પાર્ક સોસાયટીના નાકા પાસે આવેલ હયાત મશીનહોલમાં કે જ્યાં ડ્રેનેજ લાઇનનું જોડાણ કરવાનું છે તે વર્ષો જુના મશીનહોલના નીચેના ભાગે ચણતરની દિવાલ જર્જરીત થયેલ હોવાથી જોડાણની કામગીરી દરમ્યાન મશીનહોલ કોલેપ્સ થવાની સંભાવના રહેલી છે. જેથી ડ્રેનેજ મશીનહોલથી આશરે 54 મીટર અંતરે જાગૃતિ સોસાયટીના નાકા પાસે આવેલ હયાત મશીનહોલ સુધી પુશીંગ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન નાંખી મશીનહોલમાં જોડાણ કરવાની આવશ્યક્તા ઉભી થયેલ છે. આની મંજૂરી મળ્યેથી બે માસનો સમય કામગીરી પૂરી થવાનો વધારવાનો રહેશે. 54 મીટર લંબાઇમાં પુશીંગની વધારાની કામગીરી માટે 30.90 લાખ ખર્ચ થશે.