ડીજેમાં નાચવા બાબતે ઠપકો આપતા 3 યુવકોએ અપશબ્દો બોલી લાકડીથી માર માર્યો, બેને ઇજા

શિનોરના માલસર ગામે લગ્ન પ્રસંગમાં ગામના ત્રણ યુવાનને ઠપકો આપતાં ધમાલ મચાવી

MailVadodara.com - 3-youths-scolded-for-dancing-at-DJs-thrashed-with-sticks-injured-two

- યુવકોએ લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોને પણ માર માર્યો હતો, મારામારીને પગલે નાસભાગ મચી, ૩ હુમલાખોરો સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામમાં લગ્ન પ્રસંગમાં આયોજીત ડીજે પાર્ટીમાં ગામના ત્રણ યુવાનને નાચવા બાબતે ઠપકો આપતાં ધમાલ મચાવી હતી. એટલું જ નહીં પ્રસંગમાં આવેલા મહેમાનોને માર માર્યો હતો. ડીજે પાર્ટીમાં થયેલી મારામારીના બનાવને પગલે નાસભાગ મચી ગઇ હતી. આ બનાવ અંગે શિનોર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

શિનોર પોલીસ મથકમાં દિનેશભાઇ ચંપકભઆઇ વસાવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, માલસર ગામમાં રહેતા તેમના મામાની દીકરીનું લગ્ન હોવાથી છેલ્લા 10 દિવસથી તેઓ ત્યાં છે. 22, ફેબ્રુઆરીના રોજ લગ્ન નિમિત્તે ડીજે વાગતું હતું અને તેમાં મહેમાનો અને આમંત્રિતો નાચતા હતા. દરમિયાન કોઇકનો પગ વાગી જતા ફળિયામાં રહેતા શૈલેષ જયંતિભાઇ વસાવા, નરેશ ઉર્ફે રોશન ઉર્ફે નોળિયો વસાવા, ધમો મગનભાઇ વસાવા જાહેરમાં બેફામ ગાળો બોલીને ઝઘડો કરવા લાગ્યા હતા. 

લગ્નમાં આવેલા મહેમાનોમાંથી રાહુલભાઇ રમેશભાઇ વસાવા અને રોહનભાઇ દિનેશભાઇ ગોહિલે ત્રણેય યુવાનોને જણાવ્યું કે, તમે લગ્નમાં શાંતિથી નાચો. ગાળો શું કામ બોલો છો. જે બાદ ત્રણેય ઉશ્કેરાઇ ગયા હતા અને ત્રણેય યુવાનોએ ધમાલ શરૂ કરી હતી. એટલેથી ન અટકતા ધમો હાથમાં લાકડી લઇને આવ્યો હતો અને તેણે રાહુલ વસાવા અને રોહન ગોહિલને મારવાનું ચાલુ કર્યું હતું. તે બાદ અન્યએ પણ મારવાનું શરૂ કર્યું હતું. બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જે બાદ હુમલાખોરો નાસી છુટ્યા હતા. ઘટનામાં ઇજાગ્રસ્તોને હાથ, માથું, ખભાના ભાગે ઇજાઓ પહોંચતા તુરંત 108 મારફતે નજીકના દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે હુમલાખોરો શૈલેષ જયંતિભાઇ વસાવા, નરેશ ઉર્ફે રોશન ઉર્ફે નોળિયો વસાવા, ધમો ઉર્ફે ધર્મેન્દ્ર મગનભાઇ વસાવા (તમામ રહે. અંબાજી ફળિયું, માલસર, શિનોર, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments