- ગોરવા પોલીસે સમગ્ર કૌભાંડમાં બીજા કોઈની સંડોવણી છે કે કેમ તે જાણવા અને રૂપિયા કબજે કરવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી
વડોદરામાં ગોત્રી મેડિકલ કોલેજમાં એડમિશન માટે 65 લાખની ઠગાઇ આચરવાના કેસમાં ગોરવા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી નીરવ સોની, શ્રેય દેસાઇ, ગોવિંદ દેસાઇ ઝડપી પાડ્યા છે. જ્યારે હિંમાશુ પટેલની શોધખોળ શરૂ કરી છે.
કચ્છના ગાંધીધામની મંગલસ્મૃતિ ટેનામેન્ટમાં રહેતા રમેશભાઇ મકવાણાએ પોતાના પુત્રને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં એડમિશન મળે તે માટે બોરસદમાં રહેતા નીરવ સોની, સરકારી સ્કૂલના શિક્ષક ગોવિંદ દેસાઈ તેના પુત્ર શ્રેય દેસાઇ અને વડોદરાના ઉંડેરા ખાતે રહેતા હિમાંશુ પટેલને રૂ.65 લાખ આપ્યા હતા.
ઠગ ટોળકીએ વાલીને ગવર્મેન્ટ ઓફ ગુજરાત એડમિશન કમિટીની રૂપિયા 4.5 લાખની રીસીપ્ટ પણ આપી હતી. પરંતુ ત્યારબાદ વારંવાર ધક્કા ખવડાવી એડમિશન અપાવ્યું ન હતું અને રીસીપ્ટ પણ બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું. રમેશભાઈ મકવાણાએ રૂપિયા પરત માંગતા તેઓને ગોળ ગોળ ફેરવવામાં આવતા હતા.
રમેશભાઇ મકવાણાએ ગોત્રી મેડિકલ કોલેજમાં જઇને તપાસ કરતા દીકરાના એડમિશનની પ્રોસેસ ત્યાં થઇ જ નહોતી. જેથી તેમણે નીરવ સોની (રહે. સહજાનંદ શરણમ સોસાયટી, બોરસદ, જિ.આણંદ) શ્રેય દેસાઇ (રહે.નાની શેરડી ગામ, તા. બોરસદ, જિ. આણંદ), ગોવિંદ દેસાઇ ( રહે.નાની શેરડી ગામ, તા. બોરસદ, જિ. આણંદ) અને હિંમાશુ પટેલ (રહે. દત્તવિહાર સોસાયટી, ઉંડેરા ગામ, વડોદરા) સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગોરવા પોલીસે છેતરપિંડી આચરનાર આરોપી નીરવ સોની, શ્રેય દેસાઇ, ગોવિંદ દેસાઇની ધરપકડ કરી છે અને હિંમાશુ પટેલની શોધખોળ શરૂ કરી છે અને આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે રૂપિયા રિકવર કરવા માટે તેમજ સમગ્ર કૌભાંડમાં બીજા કોઈની સંડોવણી છે કે કેમ તે જાણવા અને રૂપિયા કબજે કરવા માટે રિમાન્ડની તજવીજ કરી છે.